સાઉથ આફ્રિકા સામે એક દાયકાથી T20 સિરીઝ નથી હાર્યું ભારત : છેલ્લી ૬ સિરીઝમાંથી ૩ ભારત જીત્યું હતું અને ૩ ડ્રૉ રહી હતી, સાઉથ આફ્રિકા માત્ર એક સિરીઝ જીત્યું છે
ગઈ કાલે કટકના મેદાનમાં જંગ માટેની તૈયારી કરવા ઊતરેલી ભારતીય ટીમ
સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ-સિરીઝમાં કારમી હાર અને વન-ડે સિરીઝમાં શાનદાર જીત મેળવ્યા બાદ ભારત આજથી આ હરીફ સાથે પાંચ T20 મૅચની સિરીઝ રમવા ઊતરશે. આજથી ૧૯ ડિસેમ્બર સુધી રમાનારી સિરીઝની મૅચો અનુક્રમે કટક, ન્યુ ચંડીગઢ, ધર્મશાલા, લખનઉ અને અમદાવાદમાં રમાશે. બન્ને ટીમ વચ્ચે તમામ મૅચમાં T20નો જંગ સાંજે ૭ વાગ્યાથી શરૂ થશે.
બન્ને ટીમ વચ્ચે ૨૦૦૬થી ૨૦૧૧ દરમ્યાન ૩ વખત એકમાત્ર T20 મૅચ રમાઈ હતી. ભારતે આ તમામ મૅચ સાઉથ આફ્રિકાના અન્ય ફૉર્મેટની સિરીઝ-ટૂર દરમ્યાન રમી હતી. એમાંથી ૨૦૦૬ અને ૨૦૧૦ની મૅચ ભારત અને ૨૦૧૧ની મૅચ સાઉથ આફ્રિકા જીત્યું હતું. ૨૦૧૫થી બન્ને ટીમ વચ્ચે એકથી વધુ મૅચની T20 સિરીઝની રમાવાની શરૂ થઈ હતી.
ADVERTISEMENT
ઑક્ટોબર ૨૦૧૫થી નવેમ્બર ૨૦૨૪ વચ્ચે બન્ને ટીમ ૭ સિરીઝ રમી છે. એમાંથી સાઉથ આફ્રિકા ૨૦૧૫માં ભારત-ટૂર દરમ્યાન એકમાત્ર સિરીઝ જીત્યું હતું. ત્યાર બાદ રમાયેલી ૬ સિરીઝમાંથી ભારત ૨૦૧૭, ૨૦૨૨ અને ૨૦૨૪ની સિરીઝ જીત્યું હતું; જ્યારે ૨૦૧૯, ૨૦૨૨ અને ૨૦૨૩ની સિરીઝ મળીને કુલ ૩ સિરીઝ ડ્રૉ રહી છે. છેલ્લા એક દાયકાથી સાઉથ આફ્રિકા સામે T20 સિરીઝ ન હારવાનો રેકૉર્ડ જાળવી રાખવાનો પડકાર હવે કૅપ્ટન સૂર્યકુમાર યાદવ સામે રહેશે.
|
T20નો હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
|
કુલ મૅચ |
૩૧ |
|
ભારતની જીત |
૧૮ |
|
સાઉથ આફ્રિકાની જીત |
૧૨ |
|
નો રિઝલ્ટ |
૧ |
કટકમાં સાઉથ આફ્રિકાનો રેકૉર્ડ છે જોરદાર
ઓડિશાના કટકમાં સ્થિત બારાબતી સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકા ત્રણેય ફૉર્મેટમાંથી માત્ર T20 મૅચ રમ્યું છે. આ સ્ટેડિયમમાં રમાયેલી ૩ T20 ઇન્ટરનૅશનલમાંથી ભારતે એકમાત્ર જીત શ્રીલંકા સામે ૨૦૧૭માં મેળવી હતી. બાકીની બન્ને મૅચ સાઉથ આફ્રિકા સામે ૨૦૧૫ અને ૨૦૨૨માં રમાઈ હતી અને બન્ને સાઉથ આફ્રિકાએ જીતી હતી.
આજથી ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતનું ઘરઆંગણે T20 વર્લ્ડ કપ માટે ડ્રેસ-રિહર્સલ
T20 વર્લ્ડ કપ શરૂ થવામાં ફક્ત બે મહિના બાકી છે અને ભારત ઐતિહાસિક ત્રીજો ખિતાબ જીતવાની તૈયારી કરી રહ્યું છે. ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારત ઘરઆંગણે ૧૦ T20 મૅચની કપરી કસોટીમાંથી પસાર થઈને વર્લ્ડ કપ પહેલાં પર્ફેક્ટ ટીમ-કૉમ્બિનેશન શોધવાનો પ્રયાસ કરશે. ભારતે છેલ્લા ૧૦ મહિનાથી ઘરે T20 મૅચ રમી નથી. છેલ્લી મૅચ ફેબ્રુઆરીની શરૂઆતમાં ઇંગ્લૅન્ડ સામે રમી હતી. અંગ્રેજ ટીમ સામેની એ પાંચ મૅચની સિરીઝ ભારતે ૪-૧થી જીતી હતી.
ઑક્ટોબર-નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયામાં આયોજિત વરસાદથી પ્રભાવિત પાંચ T20 મૅચની સિરીઝમાં ભારત ૨-૧થી જીત્યું, પણ ટીમની ઘણી નબળાઈ સામે આવી ગઈ હતી. સાઉથ આફ્રિકા અને ન્યુ ઝીલૅન્ડ સામેની આગામી પાંચ-પાંચ મૅચની સિરીઝમાં ભારત T20 વર્લ્ડ કપ માટે ડ્રેસ-રિહર્સલ કરીને આ નબળાઈઓ પર કામ કરશે.
રાયપુર વન-ડેમાં સ્લો ઓવર-રેટ બદલ ભારતને દંડ
ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ૩ ડિસેમ્બરે રાયપુરમાં સાઉથ આફ્રિકા સામેની બીજી વન-ડેમાં સ્લો ઓવર-રેટ બદલ ભારતને મૅચ-ફીના ૧૦ ટકાનો દંડ ફટકાર્યો છે. દરેક ઓવરના પાંચ ટકાના આધારે તમામ પ્લેયર્સની મૅચ-ફીના ૧૦ ટકા કપાઈ જશે. કે. એલ. રાહુલના નેતૃત્વ હેઠળની ટીમ ૩૫૯ રનનો ટાર્ગેટ ડિફેન્ડ કરતા સમયે બે ઓવર પાછળ ચાલી રહી હતી. ભારતે આ સિરીઝ ૨-૧થી જીતી હતી.


