હેડિંગ્લીમાં નિરાશાજનક પ્રદર્શન કરનાર ભારતીય બોલિંગ યુનિટને સમર્થન આપતાં હેડ કોચ ગૌતમ ગંભીર કહે છે...
ગૌતમ ગંભીર
હેડિંગ્લી ટેસ્ટ-મૅચ હાર્યા બાદ ભારતીય હેડ કોચ ગૌતમ ગંભીરે નિરાશાજનક પ્રદર્શન કરનાર ભારતીય બોલિંગ-યુનિટને ટેકો આપ્યો હતો. મૅચ બાદ યોજાયેલી પ્રેસ-કૉન્ફરન્સમાં તે કહે છે કે ‘આપણે તેમને (ભારતીય બોલર્સ) સમય આપવો પડશે. પહેલાં અમારી ટીમમાં ચાર ફાસ્ટ બોલર્સ હતા જેમને ૪૦થી વધુ ટેસ્ટ-મૅચનો અનુભવ હતો. વન-ડે કે T20માં એનો આટલો મોટો પ્રભાવ નથી પડતો, પરંતુ જ્યારે તમે ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ કે સાઉથ આફ્રિકાની ટૂર કરીને ટેસ્ટ-મૅચ રમો છો ત્યારે અનુભવ ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે.’
ગૌતમ આગળ કહે છે, ‘હજી પણ તેમની કરીઅરના શરૂઆતના દિવસો છે. જો આપણે દરેક ટેસ્ટ-મૅચ પછી બોલર્સનું મૂલ્યાંકન કરવાનું શરૂ કરીએ તો સારા બોલિંગ આક્રમણને કેવી રીતે તૈયાર કરી શકીશું. બુમરાહ અને સિરાજ સિવાય અમારી પાસે ફાસ્ટ બોલિંગમાં એટલો અનુભવ નથી, પરંતુ તેમની પાસે અન્ય ગુણવત્તા છે અને એથી જ તેઓ આ ભારતીય ટીમમાં છે. તેમને ટેકો આપવો પડશે, કારણ કે આ એક ટૂર માટે નહીં, પણ ટેસ્ટ-ક્રિકેટમાં લાંબા સમય સુધી ભારતની સેવા કરી શકે એવું મજબૂત ઝડપી બોલિંગ આક્રમણ તૈયાર કરવાનું છે.’
ADVERTISEMENT
મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઇન્જરીની શક્યતાઓ વચ્ચે કેટલી ટેસ્ટ રમશે એ સવાલનો જવાબ આપતાં ગંભીર કહે છે, ‘અમે હજી સુધી નક્કી કર્યું નથી કે તે કઈ ટેસ્ટ-મૅચો રમશે. તેના વિના પણ અમારી પાસે બોલિંગ આક્રમણ છે જે ઇંગ્લૅન્ડ માટે મુશ્કેલ પડકાર ઊભો કરી શકે છે. અમને અમારા બોલર્સ પર સંપૂર્ણ વિશ્વાસ છે.
આ ટેસ્ટ-મૅચમાંથી અમે શીખીશું અને આગળ વધીશું.’
સિરીઝની બીજી મૅચ બેથી ૬ જુલાઈ વચ્ચે બર્મિંગહૅમમાં રમાશે.
|
ગંભીરના કોચિંગ હેઠળ ભારતનો ટેસ્ટ-રેકૉર્ડ |
|
|
કુલ મૅચ |
૧૧ |
|
જીત |
૩ |
|
હાર |
૭ |
|
ડ્રૉ |
૧ |
|
ઇંગ્લૅન્ડ સામે હેડિંગ્લી ટેસ્ટ-મૅચમાં |
|
|
જસપ્રીત બુમરાહ |
૧૪૦ રનમાં પાંચ વિકેટ |
|
પ્રસિદ્ધ ક્રિષ્ના |
૨૨૦ રનમાં પાંચ વિકેટ |
|
મોહમ્મદ સિરાજ |
૧૭૩ રનમાં બે વિકેટ |
|
શાર્દૂલ ઠાકુર |
૮૯ રનમાં બે વિકેટ |
|
રવીન્દ્ર જાડેજા |
૧૭૨ રનમાં એક વિકેટ |
શુભમન ગિલ થોડો નર્વસ થયો એ સ્વાભાવિક છે. તેનામાં સફળ કૅપ્ટન બનવા માટેના બધા ગુણો છે, ફક્ત તેને થોડો સમય આપવાનો છે.
- ભારતીય હેડ કોચ ગૌતમ ગંભીર


