ઑસ્ટ્રેલિયન ટૂર માટે તેને રિઝર્વ ઓપનર તરીકે લેવામાં આવ્યો
અભિમન્યુ ઈશ્વરન
બાવીસ નવેમ્બરથી ઑસ્ટ્રેલિયામાં રમાનારી પાંચ ટેસ્ટની બૉર્ડર-ગાવસકર ટ્રોફી માટેની સિરીઝ માટે ભારતીય સ્ક્વૉડમાં કેટલાક નવા ચહેરાઓને પણ સ્થાન મળ્યું છે. ઑસ્ટ્રેલિયાની ટૂરમાં કૅપ્ટન રોહિત શર્મા અને વાઇસ કૅપ્ટન જસપ્રીત બુમરાહની આગેવાનીમાં ઉત્તર પ્રદેશનો અભિમન્યુ ઈશ્વરન અને દિલ્હીનો હર્ષિત રાણા ઇન્ટરનૅશનલ ડેબ્યુ કરી શકે છે. ઓપનિંગ બૅટર અભિમન્યુ ઈશ્વરન પાસે ૯૯ અને ફાસ્ટ બોલર હર્ષિત રાણા પાસે ૯ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ-મૅચ રમવાનો અનુભવ છે. બંગલાદેશ સામેની T20 સિરીઝમાં ડેબ્યુ કરનાર ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડીને પણ સ્ક્વૉડમાં સ્થાન મળ્યું છે.
અભિમન્યુ આ સ્ક્વૉડમાં એક રિઝર્વ ઓપનર તરીકે છે, પણ અહેવાલ અનુસાર રોહિત શર્મા પહેલી બે ટેસ્ટમાં ગેરહાજર રહે તો તે ઇન્ટરનૅશનલ ડેબ્યુ કરી શકે છે. ૨૦૧૩થી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમનાર ૨૯ વર્ષનો આ ઓપનિંગ બૅટર ડોમેસ્ટિક ક્રિકેટમાં ૨૭ સેન્ચુરી સાથે સૌથી સફળ બૅટ્સમેનોમાંથી એક છે. મોટો સ્કોર કરવાની અને ઇનિંગ્સને સંભાળવાની તેની ક્ષમતાને કારણે તેને સ્ક્વૉડમાં સ્થાન મળ્યું છે. બાવીસ વર્ષનો હર્ષિત રાણા ભલે માત્ર ૯ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ-મૅચ રમ્યો છે, પણ કાંગારૂઓ સામે તે ભારત માટે ટ્રમ્પ-કાર્ડ બની શકે છે.
ADVERTISEMENT
પુણે ટેસ્ટમાં ધમાલ મચાવનાર ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદર પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ થયો છે, જ્યારે સાધારણ પ્રદર્શન કરવા છતાં કે. એલ. રાહુલને ફરી સ્ક્વૉડમાં એન્ટ્રી મળી છે. ફાસ્ટ બોલર મુકેશ કુમાર, નવદીપ સૈની અને ખલીલ અહમદ રિઝર્વ પ્લેયર રહેશે. આ ત્રણેય બોલર્સની જેમ નીતીશ કુમાર રેડ્ડી અને અભિમન્યુ ઈશ્વરન ઑસ્ટ્રેલિયા ટૂરમાં ઇન્ડિયા Aનો પણ ભાગ છે, જેઓ ૩૧ ઑક્ટોબરથી ૧૦ નવેમ્બર દરમ્યાન ઑસ્ટ્રેલિયાની A ટીમ સામે બે ટેસ્ટ-મૅચની સિરીઝ રમશે.


