૧૨ દિવસના મેડિકલ વીઝા પર ચેન્નઈ અને કાનપુર ટેસ્ટ જોવા પહોંચ્યો હતો
કાનપુર ટેસ્ટના પહેલા દિવસની રમત બાદ બંગલાદેશી ફૅનને શ્વાસ લેવામાં થઈ હતી સમસ્યા.
કાનપુર ટેસ્ટના પહેલા દિવસે બંગલાદેશી ફૅન રબી-ઉલ-ઇસ્લામ પર ભારતીય ફૅન્સ દ્વારા હુમલો થવાના સમાચાર સામે આવ્યા હતા, પણ હવે આ મામલે ચોંકાવનારી અપડેટ સામે આવી છે. પહેલાં હુમલાના દાવાને ટેકો આપતો આ ફૅન ટાઇગર રોબીએ પછીથી પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું હતું. સારવાર માટે કાનપુરની રીજન્સી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તબિયત સ્થિર થતાં તેને રજા આપવામાં આવી હતી. હાલમાં તેને પોલીસની નજર હેઠળ દિલ્હી ઍરપોર્ટથી ઢાકા જવા રવાના કર્યો છે.
પોલીસ-અધિકારીઓના નિવેદન અનુસાર તેની પાસે ૧૨ દિવસનો મેડિકલ વીઝા હતો જે ૨૯ સપ્ટેમ્બરે પૂરો થઈ રહ્યો હતો. તે ૧૮ સપ્ટેમ્બરે ભારત આવ્યો હતો અને હાવડામાં હૉસ્પિટલમાં દાખલ થવાને બદલે તે ચેન્નઈમાં ટેસ્ટ જોવા ગયો હતો. ૨૬ સપ્ટેમ્બરે રાત્રે કાનપુર પહોંચ્યો હતો અને તેને મજૂરો સાથે રસ્તા પર સૂવું પડ્યું હતું. તે ઢાકાથી ૧૦૦ કિલોમીટર દૂર રહે છે અને ૧૮ સપ્ટેમ્બરે કલકત્તાથી ભારતમાં પ્રવેશ્યો હતો.