તે જે રીતે ગયો એ ખૂબ જ દુખદ છે, હું હોત તો ઑસ્ટ્રેલિયા સિરીઝ પછી તરત વિરાટ કોહલીને કૅપ્ટન બનાવી દીધો હોત
લૉર્ડ્સ સ્ટેડિયમના એક VIP બૉક્સનું નામ મુંબઈકર રવિ શાસ્ત્રીના નામ પર રાખવામાં આવ્યું છે. શાસ્ત્રીએ ICC ચૅરમૅન જય શાહ સાથે એનું ઉદ્ઘાટન કર્યું હતું.
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને હેડ કોચ રવિ શાસ્ત્રીએ સ્ટાર બૅટર વિરાટ કોહલી વિશે મોટું નિવેદન આપ્યું છે. સોનીલિવ દ્વારા શૅર કરવામાં આવેલા વિડિયોમાં શાસ્ત્રીએ કહ્યું હતું, ‘વિરાટે
ટેસ્ટ-ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે એ દુખદ છે. તેણે જે રીતે અચાનક છોડી દીધું એ વધુ દુખદ છે, કારણ કે તે એક મહાન પ્લેયર છે.’
શાસ્ત્રી આગળ કહે છે કે ‘જ્યારે તમે વિદાય લો છો ત્યારે જ લોકોને ખરેખર ખ્યાલ આવે છે કે તમે કેટલા મહાન પ્લેયર હતા. આંકડા ન્યાય કરતા નથી. તેણે પોતાને કેવી રીતે રજૂ કર્યો, ખાસ કરીને ટેસ્ટ-ક્રિકેટના રાજદૂત તરીકે અને ખાસ કરીને વિદેશમાં એ મહત્ત્વપૂર્ણ હતું. તે લૉર્ડ્સમાં જે રીતે રમ્યો અને તેની ટીમે કેવી રીતે પરિસ્થિતિ બદલી નાખી એ અવાસ્તવિક હતું. મને આનંદ છે કે હું તેની જર્નીનો ભાગ હતો. મને લાગે છે કે તેને વધુ સારી રીતે સંભાળી શકાયો હોત, કદાચ વધુ વાતચીત સાથે. જો આ નિર્ણય મારે લેવાનો હોત તો મેં તેને ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ-સિરીઝ બાદ તરત કૅપ્ટન બનાવી દીધો હોત.’

