શ્રેયસની ૭૯ રનની ઇનિંગ્સ અને વરુણની પાંચ વિકેટની મદદથી ભારતીય ટીમે હારેલી બાજી જીતી લીધી, ચૅમ્પિયન્સ ટ્રોફીમાં પહેલી વાર એક મૅચમાં બે બોલર્સે પાંચ-પાંચ વિકેટ ઝડપી
વરુણ ચક્રવર્તીએ મૅચવિનિંગ પાંચ વિકેટ લીધી હતી.
૨૫૦ રનના ટાર્ગેટ સામે કિવી ટીમને ૨૦૫ રને આૅલઆઉટ કરી ભારત ૪૪ રને જીત્યું અંતિમ ગ્રુપ-સ્ટેજ મૅચ
ગઈ કાલે દુબઈમાં ચૅમ્પિયન્સ ટ્રોફીની ૧૨મી અને અંતિમ ગ્રુપ-સ્ટેજ મૅચમાં ભારતે ન્યુ ઝીલૅન્ડ સામે ૪૪ રને રોમાંચક જીત મેળવી હતી. ભારતીય ટીમે ખરાબ શરૂઆત બાદ શ્રેયસ ઐયરની ૭૯ રનની શાનદાર ઇનિંગ્સના આધારે ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૨૪૯ રન ફટકાર્યા હતા. ૨૫૦ રનના સરળ લાગતા ટાર્ગેટને ચેઝ કરતા સમયે કિવી ટીમ વરુણ ચક્રવર્તી સહિતના ચાર સ્પિનર્સના ચક્રવ્યૂહમાં ફસાઈને ૪૫.૩ ઓવરમાં ૨૦૫ રનમાં ઑલઆઉટ થઈ હતી. ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ત્રણેય ગ્રુપ-સ્ટેજ મૅચ જીતનાર એકમાત્ર ટીમ ભારત હવે ગ્રુપ-Aમાં નંબર વન ટીમ બની ગઈ છે.
ADVERTISEMENT
ટૉસ હારીને બૅટિંગ કરવા ઊતરેલા ભારતીય બૅટર્સ કિવી ટીમની શાનદાર ફીલ્ડિંગ અને બોલિંગ સામે નબળા પડી ગયા હતા. ૬.૪ ઓવરમાં ૩૦ રનના સ્કોર પર ભારતે શુભમન ગિલ (૭ બૉલમાં બે રન), રોહિત શર્મા (૧૭ બૉલમાં ૧૫ રન) અને વિરાટ કોહલી (૧૪ બૉલમાં ૧૧ રન) જેવા ટૉપ ઑર્ડર બૅટર્સની વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી મુંબઈના શ્રેયસ ઐયરે વન-ડેમાં ૭૫ બૉલમાં પોતાની સ્લોએસ્ટ ફિફ્ટી ફટકારીને ટીમને મુશ્કેલ સમયમાંથી બહાર લાવવામાં મદદ કરી હતી. ઐયરે ૯૮ બૉલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૭૯ રનની સંયમિત ઇનિંગ્સ રમી હતી. તેણે અક્ષર પટેલ (૬૧ બૉલમાં ૪૨ રન) સાથે ચોથી વિકેટ માટે ૧૩૬ બૉલમાં ૯૮ રનની અને કે. એલ. રાહુલ (૨૯ બૉલમાં ૨૩ રન) સાથે પાંચમી વિકેટ માટે ૪૨ બૉલમાં ૪૪ રનની ભાગીદારી પણ કરી હતી.
છેલ્લી ઓવરોમાં હાર્દિક પંડ્યાએ ૪૫ બૉલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૪૫ રન બનાવીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. તેણે ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા (૨૦ બૉલમાં ૧૬ રન) સાથે સાતમી વિકેટ માટે ૪૦ બૉલમાં ૪૧ રનની પાર્ટનરશિપ કરી હતી. ન્યુ ઝીલૅન્ડનો ફાસ્ટ બોલર મૅટ હેન્રી ચૅમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં એક મૅચમાં ભારત સામે પાંચ વિકેટ લેનાર પહેલો બોલર બન્યો છે. તેણે ૮ ઓવરમાં ૪૨ રન આપીને પાંચ વિકેટ ઝડપીને ભારતને ૫૦ ઓવરમાં ૨૪૯/૯ના સ્કોર પર રોક્યું હતું.
ટાર્ગેટ ચેઝ સમયે સાધારણ શરૂઆત કરનાર કિવી ટીમે ૩૫.૪ ઓવરમાં ૧૫૧ રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી હતી. અનુભવી બૅટર કેન વિલિયમસન (૧૨૦ બૉલમાં ૮૧ રન) ભારત સામે આ ફૉર્મેટમાં ૧૨મી વાર ૫૦ પ્લસ રનની ઇનિંગ્સ રમીને ટાર્ગેટ સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ભારત સામે વન-ડેમાં ૧૨૦૦ રન પૂરા કરનાર વિલિયમસન સિવાય કોઈ કિવી બૅટર ૩૦ પ્લસ રનની ઇનિંગ્સ રમી શક્યો નહોતો. ફાસ્ટ બોલર હર્ષિત રાણાના સ્થાને ટીમમાં સામેલ થયેલા વરુણ ચક્રવર્તીએ પોતાની પહેલી ચૅમ્પિયન્સ ટ્રોફી મૅચમાં ૧૦ ઓવરમાં ૪૨ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. સ્પિનર કુલદીપ યાદવને બે, જ્યારે અક્ષર પટેલ, રવીન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યા ૧-૧ વિકેટ લેવામાં સફળ રહ્યા હતા.
ટીમ ઇન્ડિયાના સ્પિનર્સે તોડ્યો પાકિસ્તાની સ્પિનર્સનો આ રેકૉર્ડ
કિવી ટીમ સામે ગઈ કાલે ભારતીય સ્પિનર્સે ૧૬૬ રન આપીને ૯ વિકેટ લીધી હતી. તેમણે ૨૦૦૪નો પાકિસ્તાની સ્પિનર્સનો આ ટુર્નામેન્ટમાં કેન્યા સામે આઠ વિકેટના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનનો રેકૉર્ડ તોડ્યો હતો. આ ટુર્નામેન્ટના ઇતિહાસમાં પહેલી વાર બે બોલર્સે પાંચ-પાંચ વિકેટ પણ ઝડપી હતી. વરુણ ચક્રવર્તી ચૅમ્પિયન્સ ટ્રોફીની ડેબ્યુ મૅચમાં પાંચ વિકેટ લેનાર પહેલવહેલો સ્પિનર પણ બન્યો છે.
વન-ડે ક્રિકેટમાં મહત્ત્વની મૅચમાં કેવો રહ્યો છે કિંગ કોહલીનો રેકૉર્ડ?
૩૬ વર્ષનો ભારતીય સ્ટાર બૅટર વિરાટ કોહલી ગઈ કાલે ન્યુ ઝીલૅન્ડ સામે પોતાની ૩૦૦મી વન-ડે મૅચ રમવા ઊતર્યો હતો. તે આ સિદ્ધિ મેળવનાર સાતમો ભારતીય અને ઓવરઑલ બાવીસમો ક્રિકેટર બન્યો છે. જોકે તે ૧૪ બૉલમાં ૧૧ રન બનાવીને આઉટ થતાં ફૅન્સ નિરાશ થયા હતા. વિરાટ કોહલી ક્રિકેટ ઇતિહાસમાં ૩૦૦ વન-ડે, ૧૦૦ ટેસ્ટ અને ૧૦૦ T20 મૅચ રમનાર વિશ્વનો પહેલો પ્લેયર પણ બન્યો છે. ૩૦૦ વન-ડે સિવાય તે ભારત માટે ૧૨૩ ટેસ્ટ-મૅચ અને ૧૨૫ T20 મૅચ રમ્યો છે.
વન-ડેની માઇલસ્ટોન મૅચમાં વિરાટ કોહલીનું પ્રદર્શન
૨૦૧૧માં સાઉથ આફ્રિકા સામે ૫૦મી મૅચમાં : ૩ બૉલમાં ૧ રન
૨૦૧૩માં વેસ્ટ ઇન્ડીઝ સામે ૧૦૦મી મૅચમાં : ૧૮ બૉલમાં બાવીસ રન
૨૦૧૫માં ઇંગ્લૅન્ડ સામે ૧૫૦મી મૅચમાં : ૨૬ બૉલમાં ૮ રન
૨૦૧૭માં ન્યુ ઝીલૅન્ડ સામે ૨૦૦મી મૅચમાં : ૧૨૫ બૉલમાં ૧૨૧ રન
૨૦૨૦માં ઑસ્ટ્રેલિયા સામે ૨૫૦મી મૅચમાં : ૮૭ બૉલમાં ૮૯ રન
૨૦૨૫માં ન્યુ ઝીલૅન્ડ સામે ૩૦૦મી મૅચમાં : ૧૪ બૉલમાં ૧૧ રન
સેમી ફાઇનલ મૅચનું શેડ્યુલ
૪ માર્ચ : ભારત vs ઑસ્ટ્રેલિયા (દુબઈ, બપોરે ૨.૩૦)
૫ માર્ચ : સાઉથ આફ્રિકા vs ન્યુ ઝીલૅન્ડ (લાહોર, બપોરે ૨.૩૦)


