ઇંગ્લૅન્ડના વાંકદેખા ભૂતપૂર્વ ક્રિકેટર અને કૉમેન્ટેટર નાસિર હુસેનને સુનીલ ગાવસકરની લપડાક
સુનીલ ગાવસકર, નાસિર હુસેન
ચૅમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન યજમાન હોવાથી સુરક્ષાનાં કારણોને લીધે ભારત દુબઈમાં પોતાની ગ્રુપ-સ્ટેજની મૅચો રમી રહ્યું છે જેના કારણે ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન નાસિર હુસેન જેવા ક્રિકેટપંડિત આ નિર્ણયને અન્યાયી ગણાવી રહ્યા છે. તેમની દલીલ છે કે ભારતને એક જ સ્થળે રમવાનો અને ટ્રાવેલિંગ ન કરવાનો ફાયદો મળે છે.
નાસિર હુસેન પર કટાક્ષ કરતાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસકર કહે છે, ‘મને લાગે છે કે આ બધા સમજદાર અને અનુભવી લોકો છે. તમારી ટીમ (ઇંગ્લૅન્ડ) કેમ ક્વૉલિફાય ન થઈ એ તમે ખરેખર કેમ નથી જોતા? સતત ભારત પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે શું તમે તમારી હોમ ટીમ પર પણ ધ્યાન આપી રહ્યા છો? તમારા પ્લેયર્સ એટલી નાજુક માનસિક સ્થિતિમાં છે કે તેમને પરિણામોની કોઈ પરવા નથી. તમારે પરિણામોની ચિંતા કરવી જોઈએ. તમારે તમારા દેશની ચિંતા કરવી જોઈએ, તમે ગમે એ ટીમ માટે રમો. જો તમે તમારા દેશ માટે રમી રહ્યા છો તો જવાબદારી વધુ મોટી છે. તેઓ હંમેશાં એવું કહેતા રહે છે કે ‘ભારત પાસે આ છે, ભારત પાસે તે છે.’ આ સતત ચાલતું રહે છે. આપણે એને અવગણવું જોઈએ. આપણી પાસે ધ્યાન કેન્દ્રિત કરવા માટે વધુ સારી બાબતો છે.’
ADVERTISEMENT
આવા વાંકદેખા લોકોને સણસણતો જવાબ આપતાં ગાવસકર વધુમાં કહે છે, ‘તેઓ ફક્ત એ સમજવામાં નિષ્ફળ જાય છે કે ગુણવત્તા, આવક, પ્રતિભા અને આવકસર્જનની દૃષ્ટિએ ભારત ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ક્યાં છે. ટેલિવિઝન રાઇટ્સ અને મીડિયા આવક દ્વારા વૈશ્વિક ક્રિકેટમાં ભારતનું યોગદાન મોટી ભૂમિકા ભજવે છે. તેમણે એ સમજવાની જરૂર છે કે તેમનો પગાર પણ ભારત ક્રિકેટજગતમાં જે લાવે છે એમાંથી આવે છે.’


