WTCમાં હાઇએસ્ટ રન-સ્કોરર ઓપનર હોવા છતાં કે. એલ. રાહુલ માટે છોડી દીધી ઓપનરની પોઝિશન
ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સ દરમ્યાન ભારતનો કૅપ્ટન રોહિત શર્મા
ભારતીય ટેસ્ટ અને વન-ડેનો કૅપ્ટન રોહિત શર્મા ઍડીલેડ ટેસ્ટથી બૉર્ડર-ગાવસકર ટ્રોફીમાં ભારતીય ટીમની કમાન સંભાળશે. ગઈ કાલે તેણે બીજી ટેસ્ટમાં ઓપનિંગ ન કરવાનો નિર્ણય સંભળાવીને સૌને ચોંકાવી દીધા હતા. તે આજે ઑલમોસ્ટ ૬ વર્ષ બાદ ટેસ્ટમાં મિડલ ઑર્ડરમાં બૅટિંગ કરતો જોવા મળશે.
રોહિતે છેલ્લે ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયા સામે જ ૨૦૧૮ની ૨૬ ડિસેમ્બરે મિડલ ઑર્ડરમાં બૅટિંગ કરી હતી. ત્યારથી હમણાં સુધી ટેસ્ટમાં ભારત માટે ઓપનિંગ કરનાર રોહિત શર્માએ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)માં ઓપનર તરીકે ૯ સેન્ચુરીની મદદથી સૌથી વધુ ૨૬૮૫ રન કર્યા હતા. ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સમાં તેણે કે. એલ. રાહુલ સહિતના પ્લેયર્સની પ્રશંસાની સાથે જાડેજા અને અશ્વિન વિશે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યાં હતાં...
ADVERTISEMENT
કે. એલ. રાહુલ ઇનિંગ્સની શરૂઆત કરશે અને હું ક્યાંક મિડલ ઑર્ડરમાં રમીશ. મિડલ ઑર્ડરમાં બૅટિંગ કરવું વ્યક્તિગત રીતે મારા માટે સરળ નહીં હોય, પરંતુ ટીમનું હિત સર્વોપરી છે.
અમે પરિણામ ઇચ્છીએ છીએ, અમે સફળ થવા માગીએ છીએ. યશસ્વી જાયસવાલ અને કે. એલ. રાહુલે પહેલી ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. હું ઘરમાં મારા નવજાત બાળકને હાથમાં લઈને રાહુલની બૅટિંગ જોઈ રહ્યો હતો. રાહુલની બૅટિંગ જોઈને ખૂબ સારું લાગ્યું. તે ઓપનિંગ બૅટ્સમૅન તરીકે રમવા માટે લાયક છે. આમાં હવે કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. ભવિષ્યમાં વસ્તુઓ બદલાઈ શકે છે.
વૉશિંગ્ટન સુંદર ખૂબ મજબૂત ઑલરાઉન્ડર છે. અમે જોયું છે કે તે બૉલ અને બૅટથી શું કરી શકે છે. તેની પાસે વિશ્વમાં ગમે ત્યાં રમવાની નક્કર ટેક્નિક છે અને જ્યારે તેના જેવા પ્લેયર્સ ટીમમાં હોય ત્યારે તમને આત્મવિશ્વાસ મળે છે. હું આશા રાખું છું કે તે ઈજાઓથી દૂર રહે.
રવીન્દ્ર જાડેજા અને રવિચન્દ્રન અશ્વિન જેવા અનુભવી ખેલાડીઓને બહાર રાખવા હંમેશાં મુશ્કેલ હોય છે. એ આસાન નથી હોતું, પરંતુ પહેલી ટેસ્ટમાં આ નિર્ણય એ સમયે ટીમ માટે જે કંઈ શ્રેષ્ઠ હતું એના આધારે લેવામાં આવ્યો હતો અને એ સમયે મૅનેજમેન્ટને યોગ્ય લાગ્યું હતું, પરંતુ મને લાગે છે કે તે ટેસ્ટ-સિરીઝની બાકીની મૅચોમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.

