૧૯ વર્ષ બાદ ન્યુ ઝીલૅન્ડમાં ટી૨૦ સિરીઝ જીત્યું
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ
જૂન ૨૦૨૪માં શરૂ થનારા ટી૨૦ વર્લ્ડ કપ પહેલાં સૌથી વધારે આઇસીસી ટુર્નામેન્ટ જીતનાર ઑસ્ટ્રેલિયાની ટીમે ફરી એક વાર પોતાની તાકાત બતાવી છે. ત્રણ મૅચની ટી૨૦ સિરીઝમાં ઑસ્ટ્રેલિયાએ ન્યુ ઝીલૅન્ડ સામે ક્લીન સ્વીપ કરી છે. વરસાદથી પ્રભાવિત ત્રીજી ટી૨૦માં ૨૭ રનથી ઑસ્ટ્રેલિયાએ જીત મેળવી હતી. કાંગારૂ ટીમ ૧૯ વર્ષ બાદ ન્યુ ઝીલૅન્ડમાં ટી૨૦ સિરીઝ જીતી હતી. ઑસ્ટ્રેલિયા આ પહેલાં ન્યુ ઝીલૅન્ડમાં ૧ ટી૨૦ મૅચની સિરીઝ ૨૦૦૫માં જીત્યું હતું. ત્રીજી ટી૨૦માં ન્યુ ઝીલૅન્ડે ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. ચાર વાર વરસાદના વિઘ્નને કારણે ઑસ્ટ્રેલિયાની ટીમ ૧૦.૪ ઓવરમાં ૪ વિકેટના ભોગે ૧૧૮ રન બનાવી શકી. ડકવર્થ લુઇસના નિયમ અનુસાર ન્યુ ઝીલૅન્ડને ૧૦ ઓવરમાં ૧૨૬ રનનો ટાર્ગેટ મળ્યો હતો. ન્યુ ઝીલૅન્ડની ટીમ ૧૦ ઓવરમાં ૩ વિકેટ ગુમાવીને ૯૮ રન બનાવી શકી હતી. ન્યુ ઝીલૅન્ડ સામે ૨૭ રન ફટકારનાર મૅથ્યુ શૉર્ટ પ્લેયર ઑફ ધ મૅચ જાહેર થયો હતો. ઑસ્ટ્રેલિયન કૅપ્ટન મિચેલ માર્શ ૯૮ રન અને બે વિકેટ સાથે પ્લેયર ઑફ ધ સિરીઝ બન્યો હતો. પ્રથમ ટી૨૦માં ઑસ્ટ્રેલિયાએ ૬ વિકેટથી અને બીજી ટી૨૦માં ૭૨ રનથી જીત
મેળવી હતી.


