ઉત્તર પ્રદેશના કિઠૌલી ગામમાં ખેતરમાં કામ કરવા ગયેલા ૫૮ વર્ષના લખમીભાઈ પર કૂતરાઓના ઝુંડે હુમલો કર્યો. પરિવાર અને ગામલોકોમાં આ ઘટનાને પગલે ભારે રોષ જોવા મળ્યો.
મેરઠમાં પૌત્રની સામે કૂતરાઓએ દાદાનું શરીર કરડી ખાધું
ઉત્તર પ્રદેશના કિઠૌલી ગામમાં ખેતરમાં કામ કરવા માટે ગયેલા ૫૮ વર્ષના લખમીભાઈ પર કૂતરાઓના એક ઝુંડે હુમલો કર્યો હતો. લખમીભાઈ મંગળવારે સવારે ૮ વાગ્યે ખેતરમાં કામ કરવા ગયા હતા, પણ બપોરે બે વાગ્યા સુધી તેઓ ઘરે આવ્યા નહીં એટલે પરિવારજનોને ચિંતા થઈ. તેમનો પૌત્ર ઇશાંત દાદાને લેવા માટે ખેતર પર પહોંચ્યો તો ત્યાંનું દૃશ્ય જોઈને ચીસ નીકળી ગઈ. કૂતરાઓનું એક ઝુંડ દાદાનું શરીર ચૂંથી રહ્યું હતું. ઇશાંત બૂમો પાડીને ગામ તરફ દોડ્યો અને ગામલોકોને લઈને ઘટનાસ્થળે આવ્યો. બૂમો પાડવા છતાં કૂતરાઓ શબને ચૂંથવાનું બંધ કરતા નહોતા. આખરે કેટલાક લોકો લાકડીઓ લઈને આવ્યા અને કૂતરાઓને મેથીપાક આપ્યો ત્યારે ત્યાંથી ભાગ્યા. જોકે ત્યાં સુધીમાં લખમીભાઈના શરીરમાંથી અડધોઅડધ માંસ ખવાઈ ચૂક્યું હતું અને બચ્યું હતું માત્ર હાડપિંજર. આ બાબતની જાણ થતાં પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી, પરંતુ નારાજ ગામવાસીઓએ પોલીસને તાત્કાલિક કૂતરાઓ સાથે ઍક્શન લેવાની માગ કરીને ધરણાં કર્યાં. આ પહેલાં ગામમાં બે મહિલાઓ પર પણ જીવલેણ હુમલો થઈ ચૂક્યો હતો.
