આ પઝલવીરે બનાવ્યું 6 ફુટ 7 ઇંચનું રુબિક ક્યુબ
6 ફુટ 7 ઇંચનું રુબિક ક્યુબ
ઇંગ્લૅન્ડના સલ્ફોકના એક પઝલ ગેમ્સના ચાહક અને ભૂતપૂર્વ આર્કિયોલૉજિસ્ટ ૫૪ વર્ષના ટોની ફિશરે ૬ ફુટ ૭ ઇંચનો રુબિક ક્યુબ બનાવીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં વિક્રમ નોંધાવ્યો છે. ટોનીને ૧૯૮૦ના દાયકાથી રુબિક ક્યુબ બનાવવાનો શોખ જાગ્યો અને એ શોખ સતત વધતો ગયો. ગયા નવેમ્બરમાં પ્લાસ્ટિક પાઇપ્સ અને રિઇન્ફોર્સ્ડ બૉક્સનો ૧૬૦ કિલોનો રુબિક ક્યુબ બનાવતાં ટોનીને ૩૩૦ કલાક લાગ્યા હતા. ૨૦૧૬માં પાંચ ફુટ ૧ ઇંચનો રુબિક કયુબ બનાવીને ટોનીએ વિશ્વવિક્રમ સ્થાપ્યો હતો. જોકે ત્યાર પછીનાં ત્રણ વર્ષમાં એ વિક્રમ બે વખત તૂટ્યો હતો એથી ટોની ફિશરે ફરી નવો વિશ્વવિક્રમ સ્થાપવા માટે તાજેતરમાં વધુ એક રુબિક ક્યુબ બનાવ્યો હતો. ટોનીને બાળપણમાં ગિનેસ બુકમાં વિક્રમ નોંધાવવાની ઘણી ઘેલછા હતી. એ વખતે ટોની સૌથી ઝડપી દોડવીર બનવાનો અથવા સૌથી ઊંચો પહાડ ચડવાનો વિક્રમ નોંધાવવા ઇચ્છતો હતો. તેની એ ઇચ્છા પચાસેક વર્ષની ઉંમરે પૂરી થઈ, પરંતુ સાવ જુદા ક્ષેત્રમાં.