એકદમ અસલી લાગતો આ હાથી ૧૦ ફુટ ઊંચો છે અને ૮૦૦ કિલો વજન ધરાવે છે
રોબોટિક એલિફન્ટ
દક્ષિણ ભારતનાં ઘણાં મંદિરોમાં ધાર્મિક વિધિઓ માટે હાથીનો ઉપયોગ કરવામાં આવે છે. આ હાથી તાલીમના ભાગરૂપે ઘણી વાર શોષણનો ભોગ બને છે અને ખાસ તો તેમના પરિવારથી દૂર થઈ જાય છે. પીપલ ફૉર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઑફ ઍનિમલ્સ (PETA) ઇન્ડિયાએ અબોલા પ્રાણી સામે ક્રૂરતા અટકાવવા માટે મંદિરોમાં લાઇફ-સાઇઝ રોબોટિક એલિફન્ટ ડોનેટ કરવાનું શરૂ કર્યું છે. જેના ભાગરૂપે PETA ઇન્ડિયા અને અભિનેત્રી અદા શર્માએ કેરલાના તિરુવનંતપુરમના એક મંદિરને બાલાધસન નામનો મેકૅનિકલ હાથી આપ્યો છે. એકદમ અસલી લાગતો આ હાથી ૧૦ ફુટ ઊંચો છે અને ૮૦૦ કિલો વજન ધરાવે છે. એ રિયલ હાથીની જેમ જ પૂંછડી અને કાન હલાવે છે તેમ જ મહાવત સ્વિચ દબાવે ત્યારે સૂંઢમાંથી પાણી પણ ફેંકે છે. એના પર ચાર વ્યક્તિ બેસી શકે છે.
આ પહેલાં PETA ઇન્ડિયાએ ત્રણ મંદિરોમાં રોબો-હાથી ડોનેટ કર્યા છે. થ્રિસૂરના ઇરિંજદપ્પિલ્લી શ્રીકૃષ્ણ મંદિરમાં ઇરિંજદપ્પિલ્લી રામન નામનો હાથી, કોચીના થ્રિક્કાઇલ મહાદેવ મંદિરમાં મહાદેવન અને મૈસૂરના જગદગુરુ શ્રી વીરસિંહાસન મહાસમસ્થાના મઠમાં શિવા નામનો રોબો-હાથી ધાર્મિક વિધિઓમાં ભાગ લે છે. સંસ્થાનું કહેવું છે કે ઘણા હાથીઓને કલાકો સુધી કૉન્ક્રીટ પર ઊભા રહેવું પડે છે અને એમને પૂરતાં ખોરાક, પાણી કે પશુચિકિત્સા આપ્યા વિના બાંધી રાખવામાં આવે છે. રોબો-હાથીના આવવાથી સંસ્કૃતિની સાથે રિયલ હાથી પણ સુરક્ષિત રહેશે.

