ઘટના બનતાં લોકોમાં હાહાકાર મચી ગયો અને બીજા મહાવત હાથીને શાંત પાડવા દોડી આવ્યા હતા
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
ગુરુવારે સાંજે કેરલાના કલ્લાર ગામમાં એક પ્રાઇવેટ સફારી સેન્ટરમાં એક હાથીએ તેના મહાવતને પગ નીચે વારંવાર દબાવીને કચડી નાખ્યો હતો. સાંજના સમયે ટૂરિસ્ટોને હાથી પર બેસાડીને ફેરવવાનો સમય હોય છે ત્યારે આ ઘટના બની હતી. કેટલાક સહેલાણીઓને સેર કરાવી આવ્યા પછી તેનો ૬૨ વર્ષનો મહાવત બાલક્રિષ્નન હાથીને તેની પોઝિશન પર પાછો લઈ જવા માટે ગાઇડ કરી રહ્યો હતો. હાથીને પાછળ લઈ જવા માટે મહાવતે તેના પગ પર સતત લાકડી મારી હતી. જોકે મહાવત આગળના પગ પાસે આવીને લાકડી મારતો હતો એ દરમ્યાન સૂંઢની અડફેટે ચડતાં તે પડી ગયો હતો અને હાથીએ તેના પર પગ મૂકી દીધો હતો. મહાવતે પગ નીચેથી નીકળવા માટે ખાસ્સી જહેમત ઉઠાવી હતી, પણ હાથી સૂંઢથી તેનું ગળું દબાવીને પગ નીચે કચડતો રહ્યો અને છેક જ્યારે તેના શરીરમાં જીવ ન રહ્યો ત્યારે સૂંઢથી ઊંચકીને જમીન પર પટક્યો. સહેલાણીઓની સામે જ આ ઘટના બનતાં લોકોમાં હાહાકાર મચી ગયો અને બીજા મહાવત હાથીને શાંત પાડવા દોડી આવ્યા હતા. ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટે ગેરકાનૂની ધોરણે સફારી સેન્ટર ચલાવવા બદલ આ ફાર્મ પર કેસ કર્યો છે.


