જો સિંહભાઈનો પિત્તો ગયો હોત તો છેક નજીક સુધી જવાની આ ભાઈની શેખી મોંઘી પડી ગઈ હોત. આ ઘટના ભાવનગર પાસેની હોવાનું કહેવાય છે
સિંહને શિકાર ખાતો જોવા માટે યુવક નજીક ગયો, સિંહે તેને ઘુરકિયું કરીને ભગાડ્યો
સોશ્યલ મીડિયા પર એશિયાટિક લાયન સાથે અવળચંડાઈ કરતા એક માણસનો વિડિયો વાઇરલ થયો છે. સિંહ શિકાર કરીને ભોજન કરી રહ્યો હતો ત્યારે એક યુવક ખૂબ નજીક જઈને એનો વિડિયો લેવા જઈ રહ્યો હતો. માણસ બહુ નજીક આવી જતાં સિંહની તેના પર નજર પડી. તે એક ક્ષણ માટે થોભ્યો અને શિકાર છોડીને માણસ તરફ ઝડપી ચાલે આવ્યો. એ જોઈને ભય પારખી ગયેલા યુવાને પીઠ ફેરવીને ભાગવાને બદલે પાછા પગે જ ઝડપથી દૂર ભાગવાનું શરૂ કરી દીધું. યુવાને પીછેહઠ કરી લેતાં સિંહ પણ શાંત પડીને પાછો જતો રહ્યો. જો સિંહભાઈનો પિત્તો ગયો હોત તો છેક નજીક સુધી જવાની આ ભાઈની શેખી મોંઘી પડી ગઈ હોત. આ ઘટના ભાવનગર પાસેની હોવાનું કહેવાય છે. વિડિયો લેવા માટે યુવકે પોતાનો જીવ જોખમમાં મૂકેલો એ જોઈને એક જણે કમેન્ટ કરેલી કે સિંહ વીફર્યો હોત તો એના લંચ સાથે ડિનરની પણ વ્યવસ્થા થઈ જાત.


