સાઇકલ પર અજયે પર્યાવરણનો સંદેશો પણ લખ્યો છે અને એમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાની અપીલ કરી છે.
આ આખીયે યાત્રા તેણે ખુલ્લા પગે કરી હતી.
કાશી વિશ્વનાથની ધરતી પરથી એક મોટું લક્ષ્ય લઈને અજયકુમાર પટેલ નામનો યુવક અતૂટ શ્રદ્ધા અને અડગ ધૈર્ય સાથે ૧૨,૦૦૦ કિલોમીટરની સાઇકલયાત્રા કરવાનો સંકલ્પ કરીને નીકળ્યો છે. અત્યાર સુધીમાં તેણે ૧૧,૦૦૦ કિલોમીટરનું સાઇક્લિંગ કરીને ૧૧ જ્યોતિર્લિંગ અને ત્રણ ધામનાં દર્શન કર્યાં છે. અત્યારે તે દિલ્હીથી કેદારનાથ જવા નીકળ્યો છે. અજયનું કહેવું છે કે તેનો ઉદ્દેશ માત્ર વ્યક્તિગત ભક્તિ જ નથી, પરંતુ લોકોમાં સનાતન ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યે શ્રદ્ધા વધારવાનો પણ છે. હજારો કિલોમીટરની સાઇકલયાત્રા દરમ્યાન એક જ વાર તેણે સાઇકલ રિપેર કરાવવી પડી હતી અને જ્યારે દુકાનદારને ખબર પડેલી કે તે મહાન ઉદ્દેશ સાથે ભારતનાં ધામોની યાત્રાએ નીકળ્યો છે તો તેણે સાઇકલના રિપેરિંગનો ૨૦૦૦ રૂપિયાનો ખર્ચ પણ લીધો નહોતો. સાઇકલ પર આટલું લાંબું અંતર કાપવાનું જરાય સરળ નહોતું. દક્ષિણ ભારતમાં રાતે સૂવા માટે બહુ તકલીફ પડી. મંદિરોમાં રાતે રોકાવાની પરવાનગી નહોતી એટલે ઘણી રાતો તેણે બસ-સ્ટૅન્ડ કે ખુલ્લાં સ્થાનો પર સૂવું પડ્યું. ક્યાંક તેને ખાવા-પીવાને લઈને સહયોગ મળ્યો તો કોઈક મંદિરમાં ચઢાવો કરવા માટે પણ લોકોએ જ રૂપિયા આપ્યા હતા.
સાઇકલ પર અજયે પર્યાવરણનો સંદેશો પણ લખ્યો છે અને એમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાની અપીલ કરી છે. જીવન અને ધરતીને બચાવવા માટે આ જરૂરી છે. આ આખીયે યાત્રા તેણે ખુલ્લા પગે કરી હતી.


