સોમવારે વહેલી સવારે શુદ્ધિ બાદ મંગળા આરતી માટે ખૂલશે
ગઈ કાલે ચંદ્રગ્રહણને કારણે કેદારનાથ સહિત દેશભરનાં તમામ મુખ્ય મંદિરોનાં કપાટ બંધ હતાં.
રવિવારે રાતે ભારતમાં આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું. ૨૦૧૮ની ૨૭ જુલાઈ પછી પહેલી વાર આખા દેશમાં પૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું. રાતે ૯.૫૮ વાગ્યે શરૂ થનારા ચંદ્રગ્રહણનો સૂતકકાળ બપોરે ૧૨.૫૮ વાગ્યે શરૂ થઈ ગયો હતો એને પગલે દેશભરનાં નાનાં-મોટાં તમામ મંદિરોનાં દ્વાર બંધ કરવામાં આવ્યાં હતાં. બદરીનાથ, કેદારનાથથી લઈને અયોધ્યાનું રામમંદિર અને હનુમાનગઢી સહિત તમામ મંદિરોનાં કપાટ ગઈ કાલે બપોરે બંધ થઈ ગયાં હતાં.
મોક્ષની નગરી કાશીમાં કાલભૈરવ મંદિર પણ બપોરે સાડાબાર વાગ્યે બંધ થયું હતું. માત્ર કાશી વિશ્વનાથ મંદિર ચંદ્રગ્રહણ શરૂ થાય એના બે કલાક પહેલાંથી બંધ થયું હતું. કાશીમાં દશાશ્વમેધ ઘાટ પર સાંજે થતી ગંગા-આરતી પણ બપોરે ૧૨.૩૦ વાગ્યે કરી નાખવામાં આવી હતી.
ADVERTISEMENT
હરિદ્વારનાં મંદિરોથી લઈને દક્ષિણ ભારતનું તિરુમલા મંદિર અને મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરનાં કપાટ પણ ગઈ કાલે બપોરે બંધ થઈ ગયાં હતાં. ચંદ્રગ્રહણની અસર ઓસરે ત્યાં સુધી તમામ ધાર્મિક અનુષ્ઠાનો અને શુભ કાર્યો પર રોક લાગી ગઈ હતી.


