એક રિટાયર્ડ પોલીસે દાવો કર્યો હતો કે તેણે ખરીદેલી લૉટરીની ટિકિટ ખોવાઈ ગઈ હતી
પ્રતીકાત્મક તસવીર
કેરલા હાઈ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો હતો. વાત એમ હતી કે એક રિટાયર્ડ પોલીસે દાવો કર્યો હતો કે તેણે ખરીદેલી લૉટરીની ટિકિટ ખોવાઈ ગઈ હતી અને એ જ ટિકિટ પર ૨૦ કરોડ રૂપિયાનું પહેલું બમ્પર ઇનામ લાગ્યું હતું. ક્રિસમસ બમ્પર લૉટરીનો ડ્રૉ ૨૪ જાન્યુઆરી થયો હતો. એમાં પહેલું ઇનામ ૨૦ કરોડ રૂપિયાનું હતું અને એનો ટિકિટ-નંબર હતો XC 138455. એર્નાકુલમની એક વ્યક્તિએ આ ટિકિટ તિરુવનંતપુરમમાં આવેલી લૉટરીની ઑફિસમાં જમા કરાવીને આ રકમ માટે દાવો કર્યો હતો. આ ભાઈ એર્નાકુલમમાં એક ટ્રાવેલ કંપની ચલાવે છે અને તેમને આ ટિકિટ રસ્તા પરથી મળી હતી. જોકે આ ટિકિટ જેણે ખરીદી હતી તે રિટાયર્ડ પોલીસ-અધિકારીએ એ ટિકિટ પોતે ખરીદી હોવાથી એ પુરસ્કાર તેને મળવો જોઈએ એવો દાવો કર્યો હતો. કેરલા હાઈ કોર્ટે સોમવારે ચુકાદો આપ્યો હતો કે ટિકિટ જેણે પણ ખરીદી હોય, પરંતુ ઇનામ તો એને જ મળે જેણે લૉટરીની ઑફિસમાં એ ટિકિટ રજૂ કરી હોય. આમ રસ્તા પરથી ઉઠાવેલી લૉટરીની ટિકિટથી ટ્રાવેલ કંપનીના ઓનરનું નસીબ ચમકી ગયું.
