આકાશ ચૌધરી નામના એક ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુઅન્સરે હૉન્ગકૉન્ગનો વિડિયો શૅર કરતાં કહ્યું હતું કે તમે બિલ્ડિંગમાં જઈને ભૂલી જશો કે આ હૉન્ગકૉન્ગ છે.
હૉન્ગકૉન્ગમાં મિની ઇન્ડિયા: શુદ્ધ શાકાહારી ભોજનથી લઈને પાન મસાલા મળે છે
ભારતની પરંપરા, ખાણી-પીણી અને રહેણીકરણી સાથે લઈને વિદેશ જતા ભારતીયો કોઈ પણ જગ્યાએ મિની ભારત બનાવી જ લે છે. આવું જ એક મિની ઇન્ડિયા હૉન્ગકૉન્ગમાં પણ છે. હૉન્ગકૉન્ગની વ્યસ્ત શેરીઓમાં એક એવી ઇમારત છે જેની અંદર ગયા બાદ તમને એવું લાગશે જાણે તમે ભારત પહોંચી ગયા. અહીં શુદ્ધ શાકાહારી ભોજન તો ઠીક પાન મસાલા પણ મળે છે. આકાશ ચૌધરી નામના એક ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુઅન્સરે હૉન્ગકૉન્ગનો વિડિયો શૅર કરતાં કહ્યું હતું કે તમે બિલ્ડિંગમાં જઈને ભૂલી જશો કે આ હૉન્ગકૉન્ગ છે.
વિડિયોમાં રેસ્ટોરાંનો માલિક આ યુવકને પોતાની દુકાનમાં મળતી સબ્ઝી બતાવે છે. અહીં પાલક પનીર, દાલ, ચના મસાલા અને ભીંડા જેવી ભારતીય સબ્ઝી અને વેજ પકોડા, આલૂ ટિક્કી જેવો નાસ્તો પણ મળે છે. નવાઈની વાત એ છે કે આ જગ્યાએ ચૈની-ખૈની, રજનીગંધા, પાસપાસ, વિમલ જેવા પાન મસાલાનાં પાઉચની લાઇનો લાગેલી હોય છે. ત્યાર બાદ દુકાનદાર યુવકને શેર-એ-પંજાબ રેસ્ટોરાંનું મેનુ પણ બતાવે છે. ૧૩ લાખથી વધુ વ્યુઝ મેળવી ચૂકેલા આ વિડિયો પર એક વ્યક્તિએ કમેન્ટ કરી હતી કે અહીં પણ લોકો પાન ખાઈને શહેરને કેસરિયું બનાવી દેશે. અન્ય એક જણે કહ્યું કે અહીં તો જૈન ફૂડ પણ મળે છે જે સારી વાત છે.


