ન્યુ ઝીલૅન્ડમાં રહેતી ભારતીય મહિલા આકૃતિ જાયસવાલે દીકરાની સારવાર માટે ડૉક્ટરની અપૉઇન્ટમેન્ટ મેળવવામાં થયેલી મુશ્કેલીનો અનુભવ સોશ્યલ મીડિયા પર શૅર કર્યો. તેણે કહ્યું કે ડૉક્ટર સુધી ઝડપથી પહોંચવાની બાબતમાં ભારતની હેલ્થકૅર સુવિધા વધુ સારી લાગે છે.
દીકરાને ખાંસી થઈ હતી, ન્યુ ઝીલૅન્ડમાં ડૉક્ટરે અઠવાડિયા પછીની અપૉઇન્ટમેન્ટ આપી
ન્યુ ઝીલૅન્ડમાં રહેતી આકૃતિ જાયસવાલ નામની ભારતીય મહિલાએ ભારત કેમ સારું છે એનો પોતાનો અનુભવ સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો. તેણે લખ્યું હતું કે તેના દીકરાને ૧૦ દિવસથી ખાંસી હતી, પરંતુ તેને લોકલ મેડિકલ સેન્ટરમાં તરત જ ડૉક્ટરની અપૉઇન્ટમેન્ટ મળી જ નહીં. તે જ્યારે આફ્ટર-અવર્સ ક્લિનિક એટલે કે ઇમર્જન્સી મેડિકિલ સર્વિસ આપતા ક્લિનિક પર પહોંચી તો ત્યાં પણ દરદીઓની ભીડને કારણે નવા દરદીઓ લેવાનું બંધ કરી દીધું હતું. તેણે ફરીથી લોકલ મેડિકલ સેન્ટરને ગુરુવારે ફોન કર્યો તો તેને બીજા અઠવાડિયે બુધવારની અપૉઇન્ટમેન્ટ મળી હતી. આકૃતિએ લખ્યું હતું કે ‘આ અનુભવ પછી હું ભારત અને ન્યુ ઝીલૅન્ડની હેલ્થકૅર વ્યવસ્થા વચ્ચેના અંતર પર વિચારવા મજબૂર થઈ ગઈ હતી. ન્યુ ઝીલૅન્ડ એક વિકસિત દેશ છે અને અહીં હેલ્થ-સિસ્ટમની ખૂબીઓ પણ છે, પરંતુ ડૉક્ટર સુધી જલદી પહોંચવાની બાબતમાં ભારતની સુવિધા વધુ સારી છે.’
