ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં ત્રણ બાળકોની વિધવા માતા તબસ્સુમે છ બાળકોના પિતા મોહમ્મદ ઉમર સાથે ગુપચુપ નિકાહ કર્યા હતા. ગામમાં મામલો સામે આવ્યા બાદ પંચાયતે બન્નેની સાથે રહેવાની ઇચ્છાને મંજૂરી આપી અને તબસ્સુમને બાળકો સાથે નવા ઘરે વિદાય આપી.
હમ દો, હમારે નૌ
ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લાના રાનીનાગલ ગામમાંથી એક અનોખી પ્રેમકહાની સામે આવી છે. રાનીનાગલ ગામમાં ૩ બાળકોની વિધવા માતા તબસ્સુમે કોરબાંકુ ગામના ૬ બાળકોના પિતા એવા મોહમ્મદ ઉમર સાથે દુનિયાની પરવા કર્યા વિના ગુપચુપ નિકાહ કરી લીધા હતા. તબસ્સુમના પતિનું પાંચ વર્ષ પહેલાં એક માર્ગ-અકસ્માતમાં મોત થઈ ગયું હતું અને પતિના મૃત્યુ બાદ એકલી પડી ગયેલી તબસ્સુમને ગૅરેજ મેકૅનિક ઉમર સાથે એક-બે મુલાકાતમાં પ્રેમ થઈ ગયો હતો.
પરિવાર અને સમાજના ડરથી બન્નેએ પ્રથમ રુડકી નજીકના કલિયર શરીફ જઈને છૂપી રીતે નિકાહ કરી લીધા હતા અને ત્યાર બાદ કોર્ટમાં મૅરેજ પણ રજિસ્ટર કરાવ્યાં હતાં. જોકે આ વાતની જાણ ગામલોકોને થઈ જતાં બબાલ થઈ હતી અને ગામમાં આ સમસ્યાના નિરાકરણ માટે પંચાયત બેસાડાઈ હતી. ગ્રામસભામાં તબસ્સુમ અને ઉમર બન્નેએ સાથે રહેવાની પ્રબળ ઇચ્છા વ્યક્ત કરી હતી. તબસ્સુમનાં સાસરિયાંના લોકોએ જણાવ્યું હતું કે જો તેઓ પોતાની મરજીથી જવા માગે છે તો અમને કોઈ વાંધો નથી. એટલે પંચાયતે આ વૈવાહિક સંબંધને સામાજિક મંજૂરી આપી દીધી છે અને તબસ્સુમને તેનાં ૩ બાળકો તથા ઘરવખરીના સરસામાન સાથે તેના નવા પતિ ઉમરના ઘરે વિદાય કરી દેવામાં આવી છે. હવે તબસ્સુમ અને ઉમર બન્ને સાથે મળીને ‘હમ દો હમારે નૌ’નો નવો ઘરસંસાર શરૂ કરશે.
