મરાઠી ભાષા સામે માથું ઊંચક્યું રિક્ષા અને ટૅક્સીના ડ્રાઇવરોએ
કાંદિવલી-વેસ્ટમાં લિન્ક રોડ પર બિનમરાઠી રિક્ષા-ડ્રાઇવરો દ્વારા ગઈ કાલે સવારે અચાનક આંદોલન કરવામાં આવ્યું હતું.
બિનમરાઠી રિક્ષા અને ટૅક્સી-ડ્રાઇવરોએ જાહેર કરી ૩ દિવસની સ્વયંભૂ સ્ટ્રાઇક : મરાઠીના મુદ્દે બિનમરાઠી રિક્ષા-ડ્રાઇવરોએ અચાનક આંદોલન કર્યું એને પગલે મુંબઈગરાઓે કલાકો સુધી રિક્ષાની લાઇનમાં લાગ્યા
કાંદિવલી-વેસ્ટમાં લિન્ક રોડ પર સોમવારે સવારે પીક અવર્સમાં રિક્ષા-ડ્રાઇવરોના એક ગ્રુપે રાજ્ય સરકાર દ્વારા મરાઠી ભાષામાં પૅસેન્જરો સાથે વાત કરવાની લાગુ કરેલી શરતનો વિરોધ કરવા માટે તેમની રિક્ષાઓ રસ્તા પર રોકી દીધી હતી જેને કારણે ટ્રાફિક જૅમ થયો હતો. એ ગ્રુપના રિક્ષા-ડ્રાઇવરો બીજી રિક્ષાઓ રોકીને એમના પૅસેન્જર્સને ઉતારી દેતા હતા અને રિક્ષાવાળાને તેમના પ્રોટેસ્ટમાં સાથ આપવાનું દબાણ કરતા હોવાની વાતો વહેતી થઈ હતી. લગભગ ૨૦ મિનિટ સુધી વ્હીકલ્સ ધીમે-ધીમે ત્યાંથી પસાર થઈ રહ્યાં હતાં. આ અચાનક શરૂ કરાયેલા આંદોલનને કારણે મુસાફરો અને મોટરિસ્ટોએ હાડમારી ભોગવવી પડી હતી. આ ઘટનાની જાણ થતાં ટ્રાફિક-પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને રસ્તો ક્લિયર કરવાના અને પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.
ADVERTISEMENT
અનેક જગ્યાએ રિક્ષા-સ્ટ્રાઇકની અસર જોવા મળી હતી. પીક અવર્સમાં મુંબઈગરાને રિક્ષા મેળવવા દોડાદોડ કરવી પડી હતી અને તેમનું શેડ્યુલ ખોરવાઈ ગયું હતું. રોજના પ્રમાણમાં રસ્તા પર બહુ ઓછી રિક્ષાઓ દોડી રહી હતી.
આ વિરોધ-પ્રદર્શન દરમ્યાન મુસાફરોને લઈ જતા કેટલાક રિક્ષા-ડ્રાઇવરોને ધમકી આપવામાં આવી હોવાના પણ આક્ષેપો થયા હતા. વધુમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે પ્રદર્શનના ભાગરૂપે બિનમરાઠી બોલતા ડ્રાઇવરોએ રસ્તો રોકી દીધો હતો. આ વિરોધ રિક્ષા અને ટૅક્સી-ડ્રાઇવરોને વ્યવહારુ, બોલચાલ પૂરતી પણ મરાઠી આવડે છે કે નહીં એનું મૂલ્યાંકન કરવા માટે ચાલી રહેલા રાજ્યવ્યાપી અભિયાન વચ્ચે થયો છે.
અમે તૂટી-ફૂટી મરાઠી બોલી લઈએ છીએ, સરકાર એ મંજૂર રાખે
સ્ટ્રાઇક કરી રહેલા એક રિક્ષા-ડ્રાઇવરે તેમની રજૂઆત કરતાં કૅમેરા સામે કહ્યું હતું કે ‘કાંદિવલી-ઈસ્ટ, ગોરેગામ, અંધેરી બધે જ ગાડીઓની તોડફોડ કરવામાં આવી છે. અમે સ્કૂલમાં ગયા નથી તો ક્યાંથી હવે મરાઠી બોલીએ? અમને જેટલી તૂટી-ફૂટી આવડે છે એ બોલીએ છીએ એમ છતાં એ લોકો ફાઇન મારી રહ્યા છે. અમને ૧૫,૦૦૦થી ૨૦,૦૦૦ રૂપિયાનો ફાઇન કરે છે. ફાઇન કરવા અમારા જેવા જ લોકો મળે છે. અમે આટલો ફાઇન ક્યાંથી ભરીએ? લાઇસન્સ પણ લઈ લે છે. પૅસેન્જરો અમારી સાથે હિન્દીમાં વાત કરે છે. અમે ૩ દિવસ સ્ટ્રાઇક કરીશું. જે રિક્ષા-ડ્રાઇવરો રિક્ષા ચલાવી રહ્યા છે તેમને અમે રોકીશું. દહાણુકરવાડી તરફ પણ સ્ટ્રાઇક છે. અમારું એટલું જ કહેવું છે કે સરકાર અમે જે તૂટી-ફૂટી મરાઠી બોલીએ છીએ એ મંજૂર રાખે.’
દાદાગીરી નહીં ચલાવી લેવાય : પ્રતાપ સરનાઈક
મરાઠીના મુદ્દે RTO ઑફિસરો દ્વારા કરાયેલી કાર્યવાહીના મુદ્દે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકે કહ્યું હતું કે ‘૧૨ ઑગસ્ટે રાજ્ય સરકારે બહાર પાડેલા ગવર્નમેન્ટ રેઝોલ્યુશનમાં બહુ સ્પષ્ટ કહેવાયું છે કે જે રિક્ષા અને ટૅક્સી-ડ્રાઇવરોને કામચલાઉ મરાઠી નહીં આવડતું હોય તેમને પહેલાં એક મહિનાની નોટિસ આપવામાં આવશે. જો RTO ઑફિસરો એક મહિનાની મુદત પહેલાં ખોટી રીતે દંડ વસૂલ કરતા જણાશે તો તેમની સામે પણ પગલાં લેવામાં આવશે. જોકે જે ડ્રાઇવરો જાણીજોઈને મરાઠી શીખવામાં આડોડાઈ કરશે તેમની સામે ઍક્શન લેવાશે, દાદાગીરી નહીં જ ચલાવી લેવાય.’

આંદોલન કરી રહેલા રિક્ષા-ડ્રાઇવરોનું કહેવું હતું કે અમે જે તૂટી-ફૂટી મરાઠી બોલીએ છીએ એને ગણકારતા જ નથી અને ફાઇન કરે છે.
બે દિવસમાં ૧૯૨૧ ડ્રાઇવરોને નોટિસ ફટકારવામાં આવી
RTOની ટીમોએ પહેલા દિવસે ૧૪૩૦ ડ્રાઇવરોનું પરીક્ષણ કર્યું હતું જેમાં ૪૨૨ ડ્રાઇવરોને નોટિસ ફટકારવામાં આવી હતી. જેઓ મરાઠીનું વ્યવહારુ જ્ઞાન દર્શાવવામાં અસમર્થ હતા તેમના એક દિવસ પછી આ આંકડા આવ્યા. એકસાથે બે દિવસની કવાયતના પરિણામે રાજ્યભરમાં ૧૯૨૧ ડ્રાઇવરોને નોટિસ ફટકારવામાં આવી છે.
પાર્ક કરાયેલી ટૅક્સી બાબતે વરલીમાં બબાલ
ફોટોલાઇનઃ વરલીમાં પાર્ક કરેલી ટૅક્સીઓને ચલાન મળવા માંડતાં ટૅક્સી-ડ્રાઇવરોમાં રોષ ફેલાયો હતો અને તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો. તસવીર : આશિષ રાજે
વરલીના ખાન અબ્દુલ ગફાર ખાન રોડ પર જગન્નાથ કુલકર્ણી ચોક પાસે રવિવારે રાતે પાર્ક કરાયેલી ટૅક્સીઓને સવારે ધડાધડ ચલાન ઇશ્યુ કરવામાં આવતાં ટૅક્સી-ડ્રાઇવરો ભડક્યા હતા અને તેમણે પોલીસનો અપ્રોચ કર્યો હતો. એ પહેલાં તેમણે પાર્ક કરેલી ટૅક્સીઓને લઈને અન્ય મોટરિસ્ટો વચ્ચેની રોજની માથાકૂટને કારણે તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી જેને સોશ્યલ મીડિયા પર પણ પોસ્ટ કરવામાં આવી હતી. એ ઘટનાને પણ મરાઠીના મુદ્દા સાથે જોડી દેવાઈ હતી. જોકે હકીકતમાં એ ઇશ્યુ જુદો જ હતો.
ડ્રાઇવરોએ મરાઠીના તજજ્ઞ બનાવવાની જરૂર નથી, વ્યવહારુ જ્ઞાન પૂરતું : દેવેન્દ્ર ફડણવીસ
મહારાષ્ટ્રમાં રિક્ષા અને ટૅક્સી-ડ્રાઇવરો માટે મરાઠી ભાષાના વ્યવહારુ જ્ઞાનની અનિવાર્યતા વિશે ચાલી રહેલા વિવાદ વચ્ચે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે ‘સરકારનો ઉદ્દેશ હિન્દીભાષી કે અન્ય બિનમરાઠી ડ્રાઇવરોને મરાઠી ભાષાના તજજ્ઞ બનાવવાનો નથી, પરંતુ મુસાફરો સાથે સરળતાથી વાતચીત કરી શકે એટલું વ્યવહારુ અને પ્રાથમિક જ્ઞાન આપવાનો છે.’
