સોસાયટીના ગરબાના ખેલૈયાઓએ મા અંબાની ભક્તિની સાથે સોસાયટીની નારીશક્તિને બિરદાવવા માટે કુમકુમ પગલાંનો વિશેષ કાર્યક્રમ યોજ્યો હતો. ૧૪૪ પરિવારોએ ભેગા મળીને ૧૫ બાય ૧૫ ફુટના સફેદ કાપડ પર દરેક પરિવારના સ્ત્રી-સભ્યોનાં કંકુવાળાં પગલાંની છાપ લીધી હતી.
કંકુપગલાંથી બન્યું માતાજીનું બૅનર
અમદાવાદની એક સોસાયટીમાં નારીવંદનાનો અનોખો પ્રયોગ થયો. નારીશક્તિના આદર માટે અમદાવાદની કૃપાલ બચપન નામની સોસાયટીના રહેવાસીઓએ આ નવરાત્રિમાં એક યાદગાર પહેલ કરી હતી. સોસાયટીના ગરબાના ખેલૈયાઓએ મા અંબાની ભક્તિની સાથે સોસાયટીની નારીશક્તિને બિરદાવવા માટે કુમકુમ પગલાંનો વિશેષ કાર્યક્રમ યોજ્યો હતો. ૧૪૪ પરિવારોએ ભેગા મળીને ૧૫ બાય ૧૫ ફુટના સફેદ કાપડ પર દરેક પરિવારના સ્ત્રી-સભ્યોનાં કંકુવાળાં પગલાંની છાપ લીધી હતી. આ અનોખા પોસ્ટરમાં ૩ મહિનાની બાળકીથી લઈને ૮૫ વર્ષનાં દાદીનાં પગલાં લેવાયાં હતાં. કંકુને ભારતીય સંસ્કૃતિમાં શુભ અને લક્ષ્મીજીનું પ્રતીક માનવામાં આવે છે એટલે નારીનાં કંકુનાં પગલાંથી આખું પોસ્ટર સજાવવા માટે સોસાયટીના બધા જ સભ્યોએ મહેનત કરી હતી. પહેલાં બધી જ બહેનોનાં કંકુપગલાંની છાપ સફેદ કાપડની કિનારીએ લેવામાં આવી અને પછી વચ્ચેના ભાગમાં મહિલાઓએ જ કંકુનો સાથિયો અને માતાજીની બિંદી અને નેત્રવાળી આકૃતિનું પ્રતીક બનાવ્યું હતું.
બિહારમાં કૉક્રૉચ થીમનો દુર્ગા પૂજા પંડાલ
ADVERTISEMENT

આમ તો દુર્ગોત્સવમાં પશ્ચિમ બંગાળના દુર્ગા પંડાલોમાં ભક્તોની ભીડ હોય છે, પરંતુ બિહારમાં એક યુનિક થીમને કારણે ભક્તોની ભારે ભીડ ઊમટી રહી છે. થીમ છે કૉક્રૉચ. પંડાલમાં ચોમેર થર્મોકૉલથી મોટા કૉક્રૉચિસ બનાવવામાં આવ્યા છે. એ ઉપરાંત સજાવટ માટે કીડા, મકોડા અને કરોળિયાનાં જાળાં ફેલાવવામાં આવ્યાં છે. બિહારના કટિહારમાં આવેલા આ પંડાલના એન્ટ્રન્સથી લઈને અંદર સુધી જ્યાં નજર કરો ત્યાં નાના-મોટા કૉક્રૉચ જ જોવા મળે છે. લોકો અહીં દરેક ખૂણે ઊભા રહીને સેલ્ફી પાડવામાં વ્યસ્ત થઈ ગયા હતા. દુર્ગા પંડાલના આયોજકોનું કહેવું છે કે ‘ભલે તેમણે પંડાલ સજાવવા માટે કૉક્રૉચ થીમનો ઉપયોગ કર્યો હોય, તેમને આજકાલ ચાલી રહેલા પૉલિટિક્સ અને કૉક્રૉચ જનતા પાર્ટી (CJP) સાથે કોઈ નાહવા-નિચોવવાનો સંબંધ નથી. માત્ર લોકોને આકર્ષવા માટે આ ગિમિક કરવામાં આવ્યું છે.’
