પાર્ક કરેલી કારને ભારે નુકસાન થયું હતું અને અન્ય એક કારને પણ સામાન્ય નુકસાન થયું હ
વર્તકનગરમાં પોખરણ રોડ-નંબર 1 વિસ્તારમાં કાર પર પડેલું વૃક્ષ.
થાણે-વેસ્ટના વર્તકનગર વિસ્તારમાં પોખરણ રોડ-નંબર 1 પર આવેલા રુણવાલ પ્લાઝા ટાવરના પરિસરમાં એક વૃક્ષ અચાનક અડધેથી તૂટી પડતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ગઈ કાલે સાંજે પાંચ વાગ્યે બનેલી આ ઘટનામાં રોડની એક બાજુ પાર્ક કરેલાં બે ફોર-વ્હીલર અને ત્યાંથી પસાર થઈ રહેલી એક બાઇક પર આ મોટું ઝાડ પડ્યું હતું. આ અકસ્માતમાં બાઇકના ડ્રાઇવરને ગંભીર ઈજાઓ થઈ હતી, જ્યારે પાર્ક કરેલી કારને ભારે નુકસાન થયું હતું અને અન્ય એક કારને પણ સામાન્ય નુકસાન થયું હતું.
ઘટનાની જાણ થતાં જ વર્તકનગર પોલીસ-સ્ટેશનના કર્મચારીઓ, રેસ્ક્યુ અને ઇમર્જન્સી વાહનો સાથે ફાયર-બ્રિગેડના જવાનો તેમ જ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટની ટીમ ઘટનાસ્થળે દોડી ગયાં હતાં. ઈજાગ્રસ્ત ૪૭ વર્ષના બાઇક-ડ્રાઇવર મહેશ ધુરીના માથા, ચહેરા અને હાથ પર ગંભીર ઈજાઓ થઈ હોવાથી તેને તાત્કાલિક સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાર બાદ ફાયર-બ્રિગેડ અને ડિઝૅસ્ટર મૅનેજમેન્ટની ટીમે કટર વડે વૃક્ષ કાપીને રસ્તો સાફ કર્યો હતો અને વાહનવ્યવહાર પૂર્વવત્ કર્યો હતો.
ભુલાભાઈ દેસાઈ રોડ પર આવેલા જાણીતા અમરસન્સ સ્ટોરમાં આગ
ADVERTISEMENT

ભુલાભાઈ દેસાઈ રોડ પર બ્રીચ કૅન્ડી હૉસ્પિટલની સામે આવેલા જાણીતા અમરસન્સ સ્ટોરમાં ગઈ કાલે સવારના ૮.૦૧ વાગ્યે આગ ફાટી નીકળી હતી. આગને કારણે સખત ધુમાડો ફેલાયો હતો. આગમાં કોઈ ઈજાગ્રસ્ત થયાના અહેવાલ નથી. આગ ચોક્કસ કયાં કારણોસર લાગી અને કેટલું નુકસાન થયું એ જાણી શકાયું નહોતું. અમરસન્સમાં આગ લાગી હોવાથી મહાલક્ષ્મીથી સાઉથ સાઇડ જતી લેનનાં વાહનોને જમણી તરફની એક લેનમાંથી છોડવામાં આવ્યાં હતાં. તસવીર ઃ આશિષ રાજે
