Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૩૫ વર્ષના ગુજરાતી યુવાનને અચાનક છાતીમાં દુખાવો થયો, રિક્ષામાં જ વિદાય લઈ લીધી

૩૫ વર્ષના ગુજરાતી યુવાનને અચાનક છાતીમાં દુખાવો થયો, રિક્ષામાં જ વિદાય લઈ લીધી

Published : 21 October, 2026 07:30 AM | IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

બાઇક પર પાછળ બેઠેલા ૩૫ વર્ષના ગુજરાતી યુવાનને અચાનક છાતીમાં દુખાવો થયો અને પડી ગયો, હૉ‌સ્પિટલ પહોંચે એ પહેલાં જ ‌રિક્ષામાં સાળાના ખભા પર માથું ઢાળીને વિદાય લઈ લીધી

હર્ષ ઠક્કર

હર્ષ ઠક્કર


દશેરાની ઉજવણી વચ્ચે ઘાટકોપરના હર્ષ ઠક્કરના અકાળ મૃત્યુથી પરિવારમાં શોક ફેલાયો, ૩ મહિનાના પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી: અનેક ક્રિકેટ-ટુર્નામેન્ટમાં અગ્ર રહેલા યુવાનને અંતિમ સંસ્કાર સમયે તેની સાથેના ક્રિકેટરો અને ‌મિત્રોએ તાળીઓના ગડગડાટ સાથે સલામી આપી


દશેરાની ઉજવણી નિમિત્તે સાળા સાથે બાઇક પર નાસ્તો લેવા જઈ રહેલા ૩૫ વર્ષના ‌ફિટ ઍન્ડ ફાઇન હર્ષ ઠક્કરને અચાનક પંતનગરના ગણેશ મંદિર પાસે અંદાજે સવારે ૧૧ વાગ્યાની આસપાસ રસ્તામાં છાતીમાં દુખાવો ઊપડ્યા બાદ તેનું મૃત્યુ થતાં ઠક્કર પરિવાર અને સુધા પાર્કના રહેવાસીઓમાં શોકની લાગણી ફેલાઈ હતી. હર્ષ મુંબઈમાં અનેક ક્રિકેટ-ટુર્નામેન્ટમાં ભાગ લેતો હોવાથી તેની સાથે જોડાયેલા યુવાનોએ ગઈ કાલે હર્ષના અંતિમ સંસ્કારના સમયે તાળીઓના ગડગડાટ સાથે સલામી આપીને હર્ષને માનભેર વિદાય આપી હતી. 
આ દુખદ બનાવની માહિતી આપતાં હર્ષની સોસાયટીના ચૅરમૅન રાહુલ દેસાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે અમારી સોસાયટીમાં દશેરાની ઉજવણી ચાલી રહી હતી. સોસાયટીના કામકાજમાં હંમેશાં સક્રિય રહેતો હર્ષ સવારે લગભગ ૧૦.૩૦ વાગ્યા સુધી ઉજવણીમાં જોવા મળ્યો નહોતો. આ દરમ્યાન હર્ષનાં મમ્મીએ અમને કહ્યું હતું કે સવારથી ઍસિડિટીની ફરિયાદ હોવાથી નીચે આવી શકયો નથી. એના થોડા જ સમયમાં હર્ષ તેના સાળા સાથે બાઇક પર નાસ્તો લેવા નીકળ્યો હતો. તેઓ તેના ઘરથી અડધો કિલોમીટર દૂર આવેલા પંતનગરના ગણેશ મંદિર સુધી પણ પહોંચ્યા નહીં હોય ત્યાં બાઇક પર પાછળ બેઠેલા હર્ષે તેના સાળાને તેને છાતીમાં દુઃખે છે અને બ્રી‌ધિંગ પ્રૉબ્લેમની ફરિયાદ કરી હતી. આ ફરિયાદ સાથે જ હર્ષ બાઇક પરથી નીચે પડી ગયો હતો. સાળાએ ત્યાં જ તેને બચાવવા માટે મસાજ આપ્યો હતો અને હર્ષને ઊભો કરવા માટે ખૂબ જ પ્રયાસો કર્યા હતા. ત્યાર પછી હર્ષને ઊંચકીને તેનો સાળો રાજ ઠક્કર રિક્ષામાં બેસાડીને નજીકમાં જ આવેલી આશીર્વાદ હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જઈ રહ્યો હતો. જોકે તેઓ હૉસ્પિટલ સુધી પહોંચે એ પહેલાં જ રસ્તામાં જ હર્ષે તેના સાળા રાજ ઠક્કરના ખભા પર માથું ઢાળી દીધું હતું. ત્યાર પછી પણ હૉસ્પિટલની કાર્ડિઍક ટીમે હર્ષને બચાવવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ તેઓ બચાવી શક્યા નહોતા. તેમણે સવારે ૧૧.૧૫ વાગ્યે હર્ષને મૃત જાહેર કર્યો હતો. આ સમાચાર મળતાં સોસાયટીમાં દશેરાની ઉજવણીનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો હતો.’
હર્ષની હેલ્થની માહિતી આપતાં રાહુલે કહ્યું હતું કે ‘હર્ષને નખમાં પણ રોગ નહોતો. હર્ષ ક્રિકેટનો ખૂબ જ શોખીન હતો. તે હેલ્થની હંમેશાં સંભાળ લેતો હતો. તેની સાથે યુવાનોની બહુ મોટી ટીમ ક્રિકેટ માટે જોડાયેલી હતી જે વિવિધ ક્રિકેટ-ટુર્નામેન્ટમાં ભાગ લેતી હતી. હર્ષના મૃત્યુના સમાચાર મળતાં મોટી સંખ્યામાં યુવાનો તેમની અંતિમયાત્રામાં જોડાયા હતા.’




પરિવાર પર દુઃખનો પહાડ
રાહુલ દેસાઈએ જણાવ્યું હતું કે ‘હર્ષના પરિવારમાં આ બીજી મોટી ખોટ છે. આશરે ૪ વર્ષ પહેલાં તેના પિતા પંકજ ઠક્કરનું પણ ગંભીર હાર્ટ-અટૅકને કારણે મૃત્યુ થયું હતું. હર્ષ પાછળ તેની મમ્મી પ્રીતિ ઠક્કર, પત્ની ઊર્જા ઠક્કર અને ત્રણ મહિનાનો પુત્ર જિયાન છે. યુવાન વયે હર્ષના અવસાનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. તેના અંતિમ સંસ્કાર ગઈ કાલે સાંજે પાંચ વાગ્યે ઘાટકોપરની હિન્દુ સ્મશાનભૂમિમાં કરવામાં આવ્યા હતા જ્યાં તેની સાથે જોડાયેલા યુવાનોએ હર્ષને તાળીના ગડગડાટ સાથે સલામી આપીને માનભેર વિદાય આપી હતી.’


 


Whatsapp-channel Whatsapp-channel

21 October, 2026 07:30 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK