છત્તીસગઢના બલરામપુરમાં સંધ્યા હલદર અને કરમિલા ટોપ્પો ચોમાસામાં પૂરનાં પાણી પાર કરીને બાળકોને ભણાવવા પહોંચે છે. કરમિલા પોતાની ૯ મહિનાની દીકરીને તેડીને જોખમી પાણીમાંથી પસાર થાય છે.
છત્તીસગઢ શિક્ષિકાઓ
શિક્ષણ પ્રત્યે સમર્પણ અને ફરજપરસ્તીની એવી વાર્તાઓ બહુ ઓછી જોવા મળે છે જે હૃદયને સ્પર્શી જાય. છત્તીસગઢના બલરામપુર જિલ્લાના વાડ્રફનગર બ્લૉકમાંથી આવો જ એક પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે, જ્યાં બે મહિલા શિક્ષિકાઓ ચોમાસાના દિવસોમાં મોતની પરવા કર્યા વગર પૂરનાં પાણી પાર કરીને બાળકોને ભણાવવા પહોંચે છે. આમાંની એક શિક્ષિકા તો પોતાની ૯ મહિનાની માસૂમ દીકરીને તેડીને છાતી અને કેડસમાણા ઊંડા પાણીમાંથી પસાર થાય છે.
બલરામપુરના અંતરિયાળ ધોરપુર ગામમાં મોરન અને ઇરિયા નદીના સંગમ બાદનો આ આખો વિસ્તાર ચોમાસામાં બાકીની દુનિયાથી સાવ કપાઈ જાય છે.
શિક્ષિકા સંધ્યા હલદર અને કરમિલા ટોપ્પોનો દરરોજનો સંઘર્ષ કોઈ સાહસિક અભિયાનથી કમ નથી. બન્ને શિક્ષિકાઓ પોતાનાં વાહનો મારના ગામ પાસે પાર્ક કરી દે છે, કારણ કે ત્યાંથી આગળ કોઈ રસ્તો નથી. ત્યાંથી તેઓ ૩ કિલોમીટર પથરાળ અને ડુંગરાળ કેડી પર ચાલીને નદીકિનારે પહોંચે છે.
૨૦૧૪થી આ સ્કૂલમાં ફરજ બજાવતી શિક્ષિકા કરમિલા ટોપ્પો પોતાની ૯ મહિનાની નાનકડી દીકરીને હાથમાં ઊંચકીને ધસમસતા પ્રવાહ વચ્ચેથી પસાર થાય છે. જો પાણીનું સ્તર થોડું ઓછું હોય તો તેઓ નદી પાર કરી લે છે, પરંતુ જો પૂર વધારે હોય તો નદીકિનારેથી જ નિરાશ થઈને પાછા ફરવું પડે છે.
લોકો તેમને આટલા જોખમી રસ્તે ન જવાની સલાહ આપે છે; પણ શિક્ષિકાઓનું કહેવું છે કે બાળકો સાવ નાનાં છે અને જો અમે ન પહોંચીએ તો તેમનો અભ્યાસ બગડે છે, અમે પહોંચીએ ત્યારે બાળકોના ચહેરા પર છવાયેલી ખુશી આખી થકાવટ દૂર કરી દે છે.
