ટક્કરને લીધે કારના બોનેટ સાથે અથડાઈ ગયેલા કૉન્સ્ટેબલને કાર-ડ્રાઇવર ૨૦૦ મીટર સુધી કાર સાથે ઘસડીને લઈ ગયો હતો
કૉન્સ્ટેબલને કાર-ડ્રાઇવર આ રીતે ૨૦૦ મીટર સુધી કાર સાથે ઘસડીને લઈ ગયો.
નવી મુંબઈના ગીચ વિસ્તાર ગણાતા કળંબોલીના રોડપાલીમાં મંગળવારે રાતે નાકાબંધી દરમ્યાન પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારના ડ્રાઇવરે ફરજ પર હાજર પોલીસ-કૉન્સ્ટેબલ દિલીપ ભોઈરને જોરદાર ટક્કર મારી હતી એટલું જ નહીં, ટક્કરને લીધે કારના બોનેટ સાથે અથડાઈ ગયેલા કૉન્સ્ટેબલને કાર-ડ્રાઇવર ૨૦૦ મીટર સુધી કાર સાથે ઘસડીને લઈ ગયો હતો. આ ભયાનક ઘટનાનો વિડિયો ગઈ કાલે સોશ્યલ મીડિયા પર ભારે વાઇરલ થયો હતો.
કળંબોલી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કળંબોલી વિસ્તારમાં અમારી ટીમ હંમેશની જેમ મંગળવારે રાત્રિના સમયે નાકાબંધી કરીને વાહનોની સઘન તપાસ કરી રહી હતી. એ જ અરસામાં કાળા કાચવાળી એક શંકાસ્પદ કાર ત્યાં આવી પહોંચી હતી. અમારા અધિકારીઓએ કારને રોકવાનો ઇશારો કર્યો ત્યારે કાર પહેલાં તો રોકાઈ હતી, પણ પછી આગળ વધવાની કોશિશ કરી રહી હતી ત્યારે કૉન્સ્ટેબલ દિલીપ ભોઈર એની સામે ઊભા રહી ગયા હતા. એ છતાં ડ્રાઇવરે ગાડી આગળ વધારી હતી અને દિલીપ ભોઈર એના બોનેટ પર સવાર થઈ ગયા હતા. ડ્રાઇવરે આ જોવા છતાં કાર પૂરપાટ ભગાવીને ૨૦૦ મીટર સુધી કૉન્સ્ટેબલને રસ્તા પર ઘસડતાં આગળ નીકળી ગયો અને ત્યાંથી ફરાર થઈ ગયો. અકસ્માતમાં
ADVERTISEMENT
પોલીસ-કૉન્સ્ટેબલ દિલીપ ભોઈર ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રાથમિક તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે આ કાર પર લગાવવામાં આવેલી નંબર-પ્લેટ નકલી હતી.’
