ચોમાસાની ઋતુ હતી, છતાં આકાશમાંથી વરસાદનું એક ટીપું નહીં. ખાલી પડેલા ખેતરો, છતાં પાકનો દાણો નહીં. પેટમાં ઊંડા ખાડા, છતાં ખાવાનો કોળિયો નહીં. તાળવા શોષાવા છતાં પીવા માટે પાણીનું ટીપું નહીં. આવું એક નહીં પણ સળંગ ચારેક વર્ષ સુધી ચાલ્યું.
જૈનાચાર્ય શ્રી ઉદયવલ્લભસૂરિ
ચોમાસાની ઋતુ હતી, છતાં આકાશમાંથી વરસાદનું એક ટીપું નહીં. ખાલી પડેલા ખેતરો, છતાં પાકનો દાણો નહીં. પેટમાં ઊંડા ખાડા, છતાં ખાવાનો કોળિયો નહીં. તાળવા શોષાવા છતાં પીવા માટે પાણીનું ટીપું નહીં. આવું એક નહીં પણ સળંગ ચારેક વર્ષ સુધી ચાલ્યું.
આ સ્થિતિમાં ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ. આજે, કાલે, પરમદિવસે વરસાદ પડશે એવી અમર આશાએ બંધાયેલા બિચારા લોકો દેવું કરીને પણ બિયારણ લાવીને વાવેતર કરતા, પણ મહેનત અને બિયારણ બન્ને નકામાં ગયાં. માથે દેવું થયું એ નફામાં. દેવા અને વ્યાજના ભાર નીચે લાખો ખેડૂતો દબાયા અને સામે લેણદારોની ઉઘરાણી ઊંચા સ્કેલ પર ચાલુ હતી. આર્થિક રીતે સાવ કંગાળ થઈ ગયેલા ખેડૂતો કોઈ રીતે રકમ ચૂકવી શકે એમ નહોતા અને શાહુકારો ખેડૂતોની કોઈ વાત સાંભળવા કે સમજવા તૈયાર નહોતા.
બારીનો કાચ પારદર્શક હોય ત્યારે એની આરપાર જોઈ શકાય છે. આ જ કાચ પર જ્યારે પારો લાગે પછી પારો જ દેખાય, આરપારનું દેખાતું નથી. ધન એટલે પારો. માનવીના મન પર આ પારો લાગે પછી એ જ દેખાય. આરપાર જોવાની, કોઈની સ્થિતિ સમજવાની ક્ષમતા માણસ ખોઈ બેસે છે. લાખો ખેડૂતોની અવદશા આ શાહુકારો પર કોઈ અસર ઊપજાવી ન શકી. પૈસા આપતી વખતે જ જમીન લખાવી લેવાની મૉર્ગેજ પ્રથા તો ત્યારે પણ હતી એટલે જમીન જતી રહેવાના ફફડાટમાં લાખો ખેડૂતોની રાતની ઊંઘ હરામ થઈ ગઈ હતી, કારણ કે ચોમાસું આજે નહીં તો આવતા વરસેય વરસશે પણ જો જમીન જ નહીં હોય તો શું કરશું? આ ચિંતા તેમને કોરી ખાતી હતી. એક મોટા સામૂહિક આપઘાતની આફત જાણે ડોકાતી હતી.
જીવવાની આશા કોને ન હોય અને મરવાની ઇચ્છા કોને હોય? છેવટે બધાએ રાજાના શરણે જવાનું નક્કી કર્યું. એ વખતે ત્યાં રાજા વિક્રમનું રાજ ચાલતું હતું. ખેડૂતોની વ્યથા સાંભળીને તે ભારે વ્યથિત બન્યા. તેમણે આશ્વાસન તો આપ્યું પણ માત્ર ઠાલાં વચનો ન આપતાં તેમણે વ્યક્તિગત ધોરણે દરેકનાં દેવા અંગે જાણકારી મેળવવાની શરૂ કરી. સત્તાના બે અંતિમ છેડા હોય છે. એક છેડે પ્રજાના પૈસાને પોતાના પૈસા માનનાર રાજાઓની કે નેતાઓની શ્રેણી હોય છે. બીજા છેડે પ્રજાની પીડાને પોતાનું દર્દ માનનારા હમદર્દ નૃપ કે નેતાની શૃંખલા હોય છે.
રાજા વિક્રમ ‘પરદુ:ખ ભંજન’ની ઓળખ ધરાવતા પ્રજાવત્સલ રાજા હતા. દરેક ખેડૂતનું દેવું રાજકોષમાંથી ચૂકવીને પણ જગતના તાતને જિવાડવાનો સંકલ્પ જાહેર કર્યો. બીજી બાજુ રાજાએ તમામ શાહુકારોને બોલાવીને સૂચના આપી દીધી કે દરેકના જેટલાં નાણાં લેણાં નીકળતાં હોય તેમણે પોતાના જૂના ચોપડા રાજમહેલમાં જમા કરાવી દેવા. કડક સૂચનાનો ત્વરિત અમલ થયો અને રાજા વિક્રમે તમામ ખેડૂતોને દેવામુક્ત કરી દીધા. વેપારીઓને કહી દીધું કે આ ચોપડા પાછા નહીં મળે, નવા ચોપડા લઈ લેજો. ત્યારથી ખેડૂતોનાં દેવાં માફ કરવાની પરંપરા ચાલી હશે. એ દિવસ હતો કાર્તિક માસના શુક્લ પક્ષનો પ્રથમ દિવસ.
રાજા વિક્રમના આવા સૌહાર્દની કાયમી સ્મૃતિ રાખવાની ઇચ્છાથી પ્રજાએ રાજા વિક્રમની સંવત ચાલુ કરી. ઈસવીસનના ચક્કરમાં આ સંવત ભલે દબાઈ ગઈ હોય પણ આ ઇતિહાસ દરેક વડીલે પોતાની નવી ઊગતી પેઢીને વાર્તારૂપે પણ કહેવો જોઈએ. આપણા સમૃદ્ધવારસાને પાઠ્યપુસ્તકમાં સ્થાન ભલે ન મળ્યું, પણ ઘરેલુ વાર્તાલાપમાં આ જ અઠવાડિયે સ્થાન આપીને એમાંથી પ્રેરણા મેળવીએ.
આચાર્ય શ્રી ઉદયવલ્લભ સૂરિ ‘પર્ફેક્ટિંગ યુથ’ કૅમ્પેન થકી જૈન સમાજના યુવાનોમાં સંસ્કરણનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે
