આ ઘટનાનો વિડિયો તરત જ વાઇરલ થઈ જતાં પોલીસ સાબદી થઈ ગઈ
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
બિહારના હાજીપુરમાં ગુડ્ડુ કુમાર નામના ભાઈનાં પહેલી જુલાઈએ લગ્ન હતાં. ભાઈસાહેબ પોતાનાં જ લગ્નમાં એટલા મોજમાં આવી ગયા કે હાથમાં હથિયાર લઈને ડાન્સ કરવા લાગ્યા. આ ઘટનાનો વિડિયો તરત જ વાઇરલ થઈ જતાં પોલીસ સાબદી થઈ ગઈ. હાથમાં બંદૂક લઈને ભોજપુરી ગીત પર ઠૂમકા લગાવતા દુલ્હાને તાત્કાલિક ધોરણે સ્થાનિક પોલીસે પકડી લીધો. લગ્નના સમારંભમાં ગુડ્ડુનો ભાઈ સિટ્ટુ હથિયાર લઈને આવ્યો હતો અને નાચી રહ્યો હતો. જોકે એ જોઈને ગુડ્ડુને પણ સ્ટાઇલ મારવાની ઇચ્છા થઈ. તેણે ભાઈના હાથમાંથી બંદૂક લઈને નાચવાનું શરૂ કરી દીધું. લગ્નની વિધિ પૂરી થાય ત્યાં સુધીમાં તો પોલીસ લગ્નસ્થળે પહોંચી ગઈ હતી. લગ્ન કરીને છેડાછેડી છૂટે એ પહેલાં તો પોલીસે દુલ્હાને અને તેના ભાઈને પકડીને જેલમાં પૂરી દીધા. લગ્નની પહેલી રાતે દુલ્હન બિચારી એકલી રહી ગઈ અને દુલ્હાએ સુહાગરાત જેલના સળિયાની પાછળ જ ગાળી. બીજા દિવસે દુલ્હા અને તેના ભાઈને પાંચ લાખ રૂપિયાના બૉન્ડ પર જામીન પર છોડવામાં આવ્યા.
