પત્ની ગરિમાએ ઉઠાવ્યા ષડયંત્રને લગતા સવાલો
ઝુબીન ગર્ગ
સિંગરની સાથે સિંગાપોર ગયેલા સંગીતકાર શેખરજ્યોતિ ગોસ્વામીએ મૅનેજર સિદ્ધાર્થ સરમા અને નૉર્થ ઈસ્ટ ઇન્ડિયા ફેસ્ટિવલના આયોજક શ્યામકાનુ મહંતા પર ઝુબીનને ઝેર આપવાનો આરોપ લગાવ્યો ઃ પત્ની ગરિમાએ ઉઠાવ્યા ષડ્યંત્રને લગતા સવાલો
આસામ પોલીસે ફેમસ સિંગર ઝુબીન ગર્ગના રહસ્યમય મૃત્યુના કેસમાં સંગીતકાર શેખરજ્યોતિ ગોસ્વામી અને સિંગર અમૃતપ્રભા મહંતાની પણ ધરપકડ કરી હતી. બન્ને સિંગાપોરની એ યૉટ-પાર્ટીમાં હાજર હતા જ્યાં ૧૯ સપ્ટેમ્બરે ઝુબીન ગર્ગનું મૃત્યુ થયું હતું. ઝુબીન ગર્ગનું પહેલું પોસ્ટમૉર્ટમ સિંગાપોરમાં થયું હતું. એનો રિપોર્ટ બહુ જલદી પરિવારને સોંપવામાં આવશે. ગુવાહાટીમાં થયેલા બીજા પોસ્ટમૉર્ટમનો વિસેરા-રિપોર્ટ દિલ્હીની સેન્ટ્રલ ફૉરેન્સિક લૅબમાંથી હજી આવવાનો બાકી છે. ૧૯ સપ્ટેમ્બરે ઝુબીન ગર્ગને સેન્ટ જૉન્સ આઇલૅન્ડ પાસે પાણીમાંથી બેહોશ સ્થિતિમાં બહાર કાઢવામાં આવ્યા હતા. હૉસ્પિટલ લઈ જવા પર તેમને મૃત ઘોષિત કરવામાં આવેલા.
ADVERTISEMENT
આસામ પોલીસને પૂછપરછ દરમ્યાન કેટલાક પુરાવા હાથ લાગ્યા છે જેના આધાર પર સંગીતકાર શેખરજ્યોતિ ગોસ્વામી અને સિંગર અમૃતપ્રભા મહંતની ધરપકડ થઈ હતી. ગોસ્વામી ઝુબીનની ખૂબ જ નજીક તરતા દેખાઈ રહ્યા છે જ્યારે અમૃતપ્રભાએ પૂરી ઘટનાને મોબાઇલમાં રેકૉર્ડ કરી હતી. જોકે શુક્રવારે તપાસ કમિટીએ કડક પૂછતાછ કરતાં શેખરજ્યોતિ ગોસ્વામીએ આ ઘટનાની તપાસ કરી રહેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેટિવ ટીમ (SIT) સામે દાવો કર્યો હતો કે ઝુબીનને સિદ્ધાર્થ સરમા અને શ્યામકાનુ મહંતાએ ઝેર આપ્યું હતું. CNN-News18ના એક રિપોર્ટમાં કહેવાયું છે કે એક સાથીની ગવાહી અને તેની સાથે જોડાયેલી રિમાન્ડ-નોટમાં કહેવાયા મુજબ ઝુબીનને મારવાનું ષડ્યંત્ર થયું હતું. શેખરજ્યોતિ ગોસ્વામીએ દાવો કર્યો હતો કે ‘હત્યાને છુપાવી શકાય અને મોતને દુર્ઘટનાનું સ્વરૂપ આપી શકાય એ માટે વિદેશમાં આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. જ્યારે ઝુબીન ડૂબી રહ્યા હતા અને સંકટમાં હતા ત્યારે તેમના મોં અને નાકમાંથી ફીણ નીકળી રહ્યું હતું. એ વખતે સિદ્ધાર્થ સરમા ચિલ્લાઈ રહ્યા હતા જાબો દે, જાબો દે (એને જવા દો).’
સિંગરના મૅનેજર સિદ્ધાર્થ સરમા અને નૉર્થ ઈસ્ટ ઇન્ડિયા ફેસ્ટિવલના આયોજક શ્યામકાનુ મહંતાની ધરપકડ પછી બન્નેને ૧૪ દિવસના પોલીસ-રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા છે.


