મહારાષ્ટ્રમાં ઓલ્ડ મોન્કના વેચાણ સામે FSSAIના વાંધા બાદ વિવાદ બૉમ્બે હાઈ કોર્ટ સુધી પહોંચ્યો છે. કંપનીએ બોટલના લેબલમાં ફેરફાર કરવાની તૈયારી દર્શાવી છે, છતાં FSSAI તેને સામાન્ય રમ માનવા તૈયાર નથી. 11 સપ્ટેમ્બરે કોર્ટમાં આ અંગે ફરી સુનાવણી હાથ ધરાશે.
બોમ્બે હાઈકોર્ટ
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ મહારાષ્ટ્રમાં લોકપ્રિય દારૂ બ્રાન્ડ ઓલ્ડ મોન્ક અને મેકડૉવેલ્સ નંબર 1ના વેચાણ સામે લાલ આંખ કરી છે. બંને કંપનીઓના ઉત્પાદન પ્લાન્ટમાં હાથ ધરાયેલી તપાસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન બોટલ પર દર્શાવવામાં આવેલી વિગતો, બનાવટમાં વપરાતી સામગ્રી અને તેમાં બહારથી ઉમેરવામાં આવતા સ્વાદ (Added Flavour) સામે FSSAIએ ગંભીર વાંધો ઉઠાવ્યો હતો.
FSSAIની દલીલ છે કે ઓલ્ડ મોન્ક બનાવવા માટે ‘ન્યુટ્રલ સ્પિરિટ’માં રમનો સ્વાદ ઉમેરવામાં આવે છે, પરંતુ માત્ર સ્વાદ ઉમેરવાથી કોઈ પીણું નિયમો મુજબ ખરી ‘રમ’ બની જતું નથી. આ ટેકનિકલ મુદ્દાને કારણે તેને બજારમાં ‘રમ’ તરીકે વેચી શકાય કે નહીં તે અંગે મોટો કાનૂની સવાલ ઊભો થયો છે. આ કાર્યવાહી સામે ઓલ્ડ મોન્કનું ઉત્પાદન કરતી કંપની મોહન રૉકી સ્પ્રિંગવૉટર પ્રાઇવેટ લિમિટેડે 9 ઑગસ્ટે બૉમ્બે હાઈ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને ઉત્પાદનના વેચાણ પર રોક લગાવવાના FSSAIના નિર્ણયને પડકાર્યો હતો.
કંપનીએ બોટલના લેબલમાં ફેરફાર કરવાની તૈયારી દર્શાવી
ADVERTISEMENT
આ વિવાદ સંદર્ભે 31 ઑગસ્ટે યોજાયેલી સુનાવણીમાં હાઈ કોર્ટે ઓલ્ડ મોન્કના વેચાણ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો નહોતો. ત્યારબાદ કંપનીએ અદાલતમાં પોતાના લેબલમાં સુધારો કરવાની તૈયારી બતાવી હતી. કંપનીએ જણાવ્યું હતું કે બોટલ પર ‘એડેડ ફ્લેવર’ સ્પષ્ટપણે દેખાય તે રીતે દર્શાવવામાં આવશે, જેથી ગ્રાહકોને ખ્યાલ આવે કે તેમાં ફ્લેવર ઉમેરવામાં આવ્યો છે. આ ઉપરાંત બોટલ પરથી ‘7 વર્ષ જૂનું બ્લેન્ડેડ’ (7 Years Old Blended) લખાણ હટાવી લેવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. કંપનીએ સુધારેલા નવા લેબલ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. જોકે, લેબલમાં ફેરફાર કરવા છતાં FSSAIનો વાંધો શાંત થયો નથી. ઓથોરિટીનું સ્પષ્ટ વલણ છે કે લેબલ બદલવાથી મૂળ ઉત્પાદન નિયમાનુસાર રમ સાબિત થતું નથી.
FSSAIની દલીલ પર હવે 11 સપ્ટેમ્બરે નિર્ણય
સુનાવણી દરમિયાન FSSAI તરફથી હાજર રહેલા વકીલ રાજશેખર ગોવિલકરે જણાવ્યું હતું કે, ન્યુટ્રલ સ્પિરિટ આધારિત ડ્રિંકમાં માત્ર રમનો સ્વાદ ઉમેરીને તેને રમ તરીકે ન વેચી શકાય. બોટલ પરની વિગતો સામાન્ય ગ્રાહકોને ગેરમાર્ગે દોરી શકે છે, જેથી ઉત્પાદનનું વર્ગીકરણ સચોટ હોવું અનિવાર્ય છે. હાઈ કોર્ટે બંને પક્ષોની દલીલો ધ્યાને લીધા બાદ એડિશનલ સૉલિસિટર જનરલ અનિલ સિંહને FSSAIની સ્પષ્ટ સૂચનાઓ સાથે આગામી તારીખે ઉપસ્થિત રહેવા આદેશ આપ્યો હતો.
હવે આ ચર્ચાસ્પદ કેસની આગામી સુનાવણી 11 સપ્ટેમ્બર 2026ના રોજ નિર્ધારિત કરવામાં આવી છે. તે દિવસે કોર્ટ FSSAIના વેચાણ રોકના આદેશને રદ કરવાની કંપનીની અરજી પર અંતિમ દલીલો સાંભળશે. અદાલતના ચુકાદા બાદ જ સ્પષ્ટ થશે કે ઓલ્ડ મોન્ક મહારાષ્ટ્રમાં રમ તરીકે વેચાઈ શકશે કે તેનું વર્ગીકરણ બદલવું પડશે.
