ઓડિશાના મુખ્ય પ્રધાનની વિનંતી સુવેન્દુ અધિકારીએ સ્વીકારી લીધી
જગન્નાથ મંદિર
ઓડિશાના મુખ્ય પ્રધાન મોહન ચરણ માઝીએ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન સુવેન્દુ અધિકારીને દિઘામાં બનેલા જગન્નાથ મંદિર સંકુલના નામમાંથી ‘ધામ’ શબ્દ દૂર કરવા વિનંતી કરી હતી જેને સ્વીકારી લેવામાં આવી છે. માઝીએ કહ્યું હતું કે ‘દિઘા જગન્નાથ ધામ’ નામનો ઉપયોગ ભક્તોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે. પુરીના BJPના સંસદસભ્ય સંબિત પાત્રા ઓડિશાના મુખ્ય પ્રધાન મોહન ચરણ માઝીનો પત્ર લઈને પશ્ચિમ બંગાળ ગયા હતા, જેમાં દિઘા મંદિરના નામમાંથી ‘ધામ’ શબ્દ દૂર કરવાની વિનંતી કરવામાં આવી હતી.
સુવેન્દુ અધિકારીએ મમતા બૅનરજીના નિર્ણયને બદલવાનો નિર્ણય લીધો હતો. સુવેન્દુ અધિકારીએ કૅબિનેટની બેઠક બાદ આ જાહેરાત કરીને જણાવ્યું હતું કે ‘સનાતન સંસ્કૃતિ અનુસાર દિઘા જગન્નાથ મંદિર માટે ‘ધામ’ શબ્દનો ઉપયોગ અયોગ્ય છે. પુરીમાં જગન્નાથ ધામ અંગે કોઈ મૂંઝવણ રહેશે નહીં. પહેલાંની પશ્ચિમ બંગાળ સરકારે એને શ્રી શ્રી જગન્નાથ ધામ સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે મંજૂરી આપી હતી. તેમણે તકનીકી રીતે એને સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે નિયુક્ત કર્યું હતું, પરંતુ એમાં ‘ધામ’ શબ્દ ઉમેર્યો હતો. એ જાહેર ભંડોળમાંથી બનાવવામાં આવ્યું હતું. હું ઓડિશાના મુખ્ય પ્રધાનની વિનંતી સ્વીકારું છું અને અમે તાત્કાલિક ‘ધામ’ શબ્દ દૂર કરીશું. સંકુલમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં અને એ જેમ છે એમ રહેશે. અહીં જગન્નાથ સંસ્કૃતિ અનુસાર પૂજા ચાલુ રહેશે.’
ગયા વર્ષે એપ્રિલમાં મમતા બૅનરજી સરકાર દ્વારા ઉદ્ઘાટન કરાયેલા નવા મંદિરને ‘ધામ’ કહેવામાં આવતાં વિવાદ શરૂ થયો હતો. પુરીના જગન્નાથ મંદિરના સેવકો અને ઓડિશા સરકારે આનો સખત વિરોધ કર્યો હતો. પુરીમાં બારમી સદીનું જગન્નાથ મંદિર સદીઓથી જગન્નાથ ધામ તરીકે ઓળખાય છે.
ADVERTISEMENT
અલવરના જગન્નાથ મેળાને આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવાની રાજસ્થાનની માગણી
રાજસ્થાન સરકારે કેન્દ્રને અલવરના પાંચ દિવસના જગન્નાથ મેળાને આંતરરાષ્ટ્રીય માન્યતા આપવા માટે વિનંતી કરી છે, જે એના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વને ઉજાગર કરે છે. આ તહેવાર ભગવાન જગન્નાથ અને દેવી જાનકીનાં લગ્નની ઉજવણી કરે છે અને એમાં ભવ્ય રથયાત્રા પણ કાઢવામાં આવે છે. ટૂરિઝમને વિકસાવવાના પ્લાનમાં બ્યુટિફિકેશન, વિદેશી પ્રવાસીઓને પ્રોત્સાહન અને રાષ્ટ્રીય જાગૃતિ અભિયાનનો સમાવેશ થાય છે. આ માગણીનો હેતુ સદીઓ જૂના આ કાર્યક્રમને વૈશ્વિક પ્લૅટફૉર્મ પર પ્રોત્સાહન આપવાનો અને વધુ સ્થાનિક તેમ જ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષવાનો છે. અલવરમાં દર વર્ષે યોજાતો જગન્નાથ મેળો રાજસ્થાનમાં ખૂબ જ આદરણીય પાંચ દિવસનો વાર્ષિક રથ ઉત્સવ છે. પુરીની પરંપરાગત રથયાત્રાની વિધિઓથી આ અલગ છે. આ ઉત્સવ એની ભવ્ય શોભાયાત્રા માટે જાણીતો છે, જે ઓડિશામાં પુરીની પ્રખ્યાત રથયાત્રા જેવો દેખાય છે.
