જોકે બોલાચાલી હિંસક બની એને પગલે પ્રેમી સાથે મળીને ત્રણેયને ચાકુના ઘા ઝીંકીને મારી નાખ્યા
પપ્પા-મમ્મી અને બહેન.
લિવ-ઇન રિલેશનશિપથી નારાજ પરિવાર સમજાવવા પુત્રીના ફ્લૅટ પર ગયો હતો : જોકે બોલાચાલી હિંસક બની એને પગલે પ્રેમી સાથે મળીને ત્રણેયને ચાકુના ઘા ઝીંકીને મારી નાખ્યા
કર્ણાટકની રાજધાની બૅન્ગલોરના કે. આર. પુરમ વિસ્તારમાં એક અપાર્ટમેન્ટમાં એક જ પરિવારના ૩ સભ્યોની ચાકુ મારીને નિર્મમ હત્યા કરવામાં આવતાં સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. મૃતકોની ઓળખ ૫૨ વર્ષના સોમા સુંદર, તેમની ૪૮ વર્ષની પત્ની મુથુલક્ષ્મી અને ૧૯ વર્ષની નાની પુત્રી સુપ્રિયા તરીકે થઈ છે. મંગળવારે મોડી રાત્રે ત્રણેયના લોહીથી લથબથ મૃતેદહો ફ્લૅટમાંથી મળી આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ આ ટ્રિપલ મર્ડર પાછળ પ્રેમસંબંધ અને પારિવારિક નારાજગી મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
દંપતીની મોટી દીકરી શ્વેતા છેલ્લા બે મહિનાથી તેના પ્રેમી કેનેથ સાથે લિવ-ઇનમાં રહેતી હતી. પરિવાર આ સંબંધની સખત વિરુદ્ધમાં હોવાથી તેઓ દીકરીને સમજાવવા માટે તેના ફ્લૅટ પર પહોંચ્યા હતા. એ દરમ્યાન બન્ને પક્ષો વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી જોતજોતામાં હિંસક ઝઘડામાં બદલાઈ ગઈ હતી અને બન્ને શંકાસ્પદોએ ત્રણેય સભ્યો પર ચાકુથી ઉપરાછાપરી ઘા કર્યા હતા જેને કારણે ત્રણેયનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. હત્યાકાંડને અંજામ આપ્યા બાદ બન્ને આરોપીઓ ફરાર થઈ ગયા છે.
