મહારાષ્ટ્રમાં માત્ર ૧૦ સ્ટુડન્ટ્સે ૧૦૦ પર્સેન્ટાઇલ મેળવ્યા છે અને એમાં જીલનો સમાવેશ છે.
જીલ છેડા
પાલઘરની જીલ છેડાએ મહારાષ્ટ્રમાં લેવામાં આવેલી ફિઝિકસ-કેમિસ્ટ્રી-બાયોલૉજી (PCB) ગ્રુપની એપ્રિલ અને મેમાં લેવાયેલી કૉમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) આપી હતી અને બન્નેમાં ૧૦૦ પર્સેન્ટાઇલ મેળવીને મહેનતનો કોઈ વિકલ્પ નથી એ કહેવતને સાર્થક કરી હતી. સરકારે આ વર્ષે પહેલી વાર સ્ટુડન્ટ્સને બે વાર CET આપવાની છૂટ આપી હતી જેથી તેઓ પોતાનો સ્કોર સુધારી શકે અને જે CETમાં વધુ સ્કોર આવે એના આધારે એન્જિનિયરિંગ, ફાર્મસી અને ઍગ્રિકલ્ચર કોર્સમાં ઍડ્મિશન મેળવી શકે. સામાન્ય વિદ્યાર્થીની જેમ અભ્યાસ શરૂ કરનાર જીલે પોતાની અદમ્ય મહેનત, શિસ્તબદ્ધ તૈયારી અને અતૂટ આત્મવિશ્વાસના બળે આ અસાધારણ સિદ્ધિ હાંસલ કરી છે. મહારાષ્ટ્રમાં માત્ર ૧૦ સ્ટુડન્ટ્સે ૧૦૦ પર્સેન્ટાઇલ મેળવ્યા છે અને એમાં જીલનો સમાવેશ છે.
જીલે CETની તૈયારી અગિયારમા ધોરણથી જ શરૂ કરી હતી. તેની સફળતા પાછળનું રહસ્ય પૂછતાં જીલ કહે છે, ‘ઘણાં પુસ્તકો કે અનેક રિસોર્સ પાછળ દોડવાને બદલે એક જ યોગ્ય રિસોર્સ પર ધ્યાન કેન્દ્રિત કરીને સતત પ્રૅક્ટિસ કરવી એ મારી સફળતાની ચાવી રહી હતી. મારા માટે ફિઝિકસ સૌથી પડકારજનક વિષય હતો. મેં સતત એક-એક મિનિટ એની પાછળ મહેનત કરી હતી અને ફિઝિક્સના પ્રશ્નો ઉકેલવાની આદત પાડી હતી. એની પાછળ સમયબદ્ધ પ્રૅક્ટિસ કરીને મેં આ વિષયને મને જેટલો ટફ લાગતો હતો એટલો જ સરળ કરી દીધો હતો. હું એક્ઝામના સમયમાં સમયનું યોગ્ય સંચાલન થાય એ માટે ઘરમાં ટાઇમટેબલ બનાવીને નક્કી કરેલી સમયમર્યાદામાં પ્રશ્નો ઉકેલતી હતી. એને કારણે હું સફળતાનાં સોપાન સર કરી શકી હતી.’
ADVERTISEMENT
હાયર સેકન્ડરી (HSC)માં ૯૬ ટકા માર્ક્સ મેળવનાર જીલે CETમાં ૯૯ પર્સેન્ટાઇલ આવશે એવી અપેક્ષા રાખી હતી. પરિણામ જાહેર થતાં જ ૧૦૦ પર્સેન્ટાઇલ મળ્યાના સમાચાર સાંભળીને હું, મારો પરિવાર અને મારા ટીચરો આનંદથી ઝૂમી ઊઠ્યાં હતાં એમ જણાવતાં કચ્છી વીસા ઓસવાળ જૈન જીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેં ૧૦૦ પર્સેન્ટાઇલની કલ્પના પણ નહોતી કરી. આથી જ્યારે રિઝલ્ટમાં ૧૦૦ પર્સેન્ટાઇલ મેળવ્યાની જાણકારી મળી ત્યારે સૌથી પહેલાં ખુશી અને આશ્ચર્યની લાગણી થઈ હતી. મારી આ સિદ્ધિ માટે દાદરમાં સૂટિંગ-શર્ટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા મારા પપ્પા હિતેશ છેડા અને મારી મમ્મી મીના છેડાનું સતત પ્રોત્સાહન અને હૂંફ જવાબદાર છે. મારા કોચિંગ ક્લાસના ટીચરો પણ મને સમયે-સમયે યોગ્ય માર્ગદર્શન અને પ્રેરણા આપતા રહ્યા હતા. મેં મારા ટાર્ગેટને અચીવ કરવા માટે પાર્ટીઓમાં જવાનું અને બહાર ફરવા જવાનું ઓછું કરી નાખ્યું હતું. અભ્યાસ દરમ્યાન ક્યારેક માર્ક્સમાં વધઘટ થતી હોવા છતાં મેં ક્યારેય આત્મવિશ્વાસ ગુમાવ્યો નહોતો અને સતત ટીચરોના સંપર્કમાં રહીને મારી ખામીઓ સુધારતી હતી.’
જીલને એજ્યુકેશન સિવાય ટૂર અને ફોટોગ્રાફીનો શોખ છે. એ સંદર્ભમાં જીલ કહે છે, ‘એક્ઝામની તૈયારીના સમયે કોઈ ટેન્શન આવે તો હું મ્યુઝિક સાંભળતી, ટીવીમાં પ્રોગ્રામ જોવા બેસી જતી અને મારાં ભાઈ-બહેનો સાથે ગપ્પાં મારીને સમય પસાર કરીને ટેન્શન હળવું કરી દેતી હતી. મારી ભવિષ્યમાં બાયોલૉજી ક્ષેત્રમાં આગળ વધવાની ઇચ્છા છે. અત્યારે ૧૦૦ પર્સેન્ટાઇલ મળ્યા પછી મારા આત્મવિશ્વાસમાં ઘણો વધારો થયો છે. મારું માનવું છે કે હાર્ડ વર્ક ઇઝ ધ કી ટુ સક્સેસ. યોગ્ય દિશામાં કરેલી સતત મહેનત કોઈ પણ સપનાને હક્કીતમાં ફેરવી શકે છે.’
