Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > જાણો બદલાતી મોસમમાં મુલેઠી કેટલી કામની, જેઠ મહિનામાં અચૂક વાપરો જેઠીમધ

જાણો બદલાતી મોસમમાં મુલેઠી કેટલી કામની, જેઠ મહિનામાં અચૂક વાપરો જેઠીમધ

Published : 26 June, 2026 01:17 PM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

તાજેતરમાં અભિનેત્રી અને ન્યુટ્રિશનિસ્ટ ભાગ્યશ્રીએ પણ PCOSમાં મુલેઠી ઉપયોગી હોઈ શકે એવી વાત સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી

મુલેઠી

મુલેઠી


ગ્રીષ્મ અને વર્ષા ઋતુનો સંધિકાળ આવતાં જ શરદી, ઉધરસ, ગળામાં ખિચખિચ અને પાચનની તકલીફો જેવી મોસમી સમસ્યાઓ વધવા લાગે છે. આવી સ્થિતિમાં ઘરગથ્થુ અને આયુર્વેદિક ઔષધિઓમાં જેઠીમધનું નામ સૌથી પહેલાં લેવામાં આવે છે. ગળાને રાહત આપવાથી લઈને શ્વસનતંત્ર અને પાચનતંત્રને સહારો આપવા સુધી આ ઔષધનો ભરપૂર ઉપયોગ વર્ષોથી થાય છે. તાજેતરમાં અભિનેત્રી અને ન્યુટ્રિશનિસ્ટ ભાગ્યશ્રીએ પણ PCOSમાં મુલેઠી ઉપયોગી હોઈ શકે એવી વાત સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી. આ બધી વસ્તુને લઈને આપણે નિષ્ણાત પાસેથી જાણી લઈએ

અભિનેત્રી અને સર્ટિફાઇડ ન્યુટ્રિશનિસ્ટ ભાગ્યશ્રીએ સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ કરતાં કહ્યું હતું કે ‘પૉલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રૉમ (PCOS)માં મેલ હૉર્મોન્સ ઍન્ડ્રોજન વધી જાય છે. એને કારણે માસિક ધર્મમાં અનિયમિતતા, ઍક્ને તેમ જ ચહેરા પર અનિચ્છનીય વાળની સમસ્યા થાય છે. એવામાં મુલેઠી ઍન્ડ્રોજન લેવલ્સને ઘટાડવામાં મદદ કરે છે.’



મુલેઠીનો ઉપયોગ કઈ રીતે કરવો એને લઈને પણ ભાગ્યશ્રીએ કહ્યું હતું કે ‘મુલેઠીના મૂળનો એક નાનો ટુકડો એક કપ પાણીમાં નાખો. એને પાંચથી સાત મિનિટ સુધી ધીમા તાપે ઉકાળો. એને ગાળીને નવશેકું થાય ત્યારે પી લો.’


સ્ત્રીઓના હૉર્મોન્સની સમસ્યામાં જેઠીમધની અસરકારકતા તો છે જ, પણ સાથે એ ઉનાળા અને ચોમાસાની સંધિમાં થતી સમસ્યાઓનું પણ ઉત્તમ ઔષધ છે. ​​ ચોમાસાની શરૂઆત સાથે જ શરદી, ઉધરસ, ગળામાં ખિચખિચ અને વાઇરલ ઇન્ફેક્શન જેવી તકલીફો વધવા લાગે છે. મુંબઈમાં વરસાદે રાહ જોવડાવ્યા બાદ અંતે આગમન કર્યું છે ત્યારે આપણે મોસમી બીમારીના જોખમથી બચવા કઈ રીતે આ આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરી શકીએ એ વિશે ત્રિતત્ત્વમ આયુર્વેદિક ઍન્ડ પંચકર્મ ક્લિનિક ચલાવતાં આયુર્વેદિક એક્સપર્ટ ડૉ. શીતલ ​ત્રિવેદી પાસેથી જાણી લઈએ.

શું છે જેઠીમધ?


જેઠીમધ એટલે કે મુલેઠી એ એક આયુર્વેદિક ઔષધિ છે. સંસ્કૃતમાં એને યષ્ટિમધુ કહેવાય છે. યષ્ટિ એટલે લાકડું અને મધુ એટલે મધ. એનાં મૂળ સ્વાદમાં મધ જેવાં મીઠાં હોય છે. આયુર્વેદ મુજબ એ ખાસ કરીને વાત અને પિત્તદોષને શાંત કરે છે.

PCOSમાં કેટલું અકસીર?

જેને પહેલાં PCOSની સમસ્યા કહેવાતી હતી એ હવે PMOS (પૉલિઍન્ડોક્રાઇન મેટાબૉલિક ઓવરી સિન્ડ્રૉમ)ની સમસ્યા તરીકે વર્ગીકૃત થઈ છે. એમાં મુલેઠીનો ઉપયોગ કેટલો અસરકારક સાબિત થાય છે એની વાત કરીએ તો મુલેઠીમાં રહેલા કેટલાક ઘટકો હૉર્મોનલ સંતુલન અને સોજો ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. કેટલાક પ્રાથમિક અભ્યાસોમાં ઍન્ડ્રોજન (પુરુષ હૉર્મોન)નું સ્તર ઘટાડવામાં મુલેઠીથી મદદ મળી હોવાનું જોવા મળ્યું છે. મુલેઠીમાં રહેલું ગ્લાયસિરિઝિન શરીરમાં એવાં ચોક્કસ એન્ઝાઇમ્સને અવરોધે છે જે ટેસ્ટોસ્ટેરોન બનાવવામાં મદદ કરે છે. આ એન્ઝાઇમ્સ ધીમાં પડવાથી ઍન્ડ્રોજનનું ઉત્પાદન ઘટે છે. PMOSની સમસ્યામાં ઍન્ડ્રોજનનું પ્રમાણ વધી જાય છે. મુલેઠી ટેસ્ટોસ્ટેરોન ઘટાડવામાં મદદ કરે છે જેનાથી અનિયમિત પિરિયડ્સ, ખીલ અને ચહેરા પરના અનિચ્છનીય વાળ જેવી સમસ્યાઓ નિયત્રિંત થાય છે. અહીં એ વાતનું ધ્યાન રાખવું પણ જરૂરી છે કે PMOS એક

મલ્ટિ-ફૅક્ટોરિયલ સિન્ડ્રૉમ છે એટલે કે એ કોઈ એક કારણસર થતો નથી. તેની પાછળ જિનેટિક્સ, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, સ્થૂળતા અને જીવનશૈલી તેમ જ ક્રોનિક ઇન્ફ્લમેશન જેવાં અનેક પરિબળો હોઈ શકે છે. એટલે મુલેઠીને PMOSના એકમાત્ર ઉપચાર તરીકે ન જોવી જોઈએ. વ્યક્તિની પ્રકૃતિ અને સ્થિતિ પ્રમાણે આયુર્વેદિક વૈદ્યની સલાહથી જ એનો ઉપયોગ કરવો જોઈએ.

સંધિકાળમાં મુલેઠીનો ઉપયોગ

ઉનાળાથી ચોમાસાની ઋતુમાં પ્રવેશ દરમ્યાન વાતાવરણમાં અચાનક ભેજ અને ઠંડક વધવાને કારણે કફ અને વાયુ સંબંધિત તકલીફો ખૂબ વધી જાય છે. આ નાજુક સમયમાં નીચે મુજબ મુલેઠીનો ઉપયોગ કરી શકાય છે...

શરદી, ઉધરસ અને ગળામાં કફનો ભરાવો: મુલેઠીનો એક નાનો ટુકડો મોંમાં રાખીને ચૂસવાથી અથવા એનો ઉકાળો પીવાથી ગળાને તરત રાહત મળે છે.

ફ્લુ અને ગળાની બળતરા : મુલેઠી, તુલસી અને સૂંઠને સરખા ભાગે ઉકાળીને બનાવેલો ઉકાળો પીવાથી વાઇરલ ઇન્ફેક્શન અને ગળાની બળતરામાં ખૂબ ફાયદો થાય છે.

રોગપ્રતિકારક શક્તિ : મોસમી ફેરફારો સામે રક્ષણ મેળવવા માટે તુલસી, ગળો અને મુલેઠીનું મિશ્રણ ઉત્તમ પરિણામ આપે છે.

પાચનતંત્ર : પાચન સુધારવા માટે માત્ર મુલેઠી પૂરતી નથી, પરંતુ એને સૂંઠ સાથે ખૂબ જ અલ્પ માત્રામાં લેવાથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે.

મુલેઠીના અન્ય ફાયદા

મુલેઠીમાં રહેલાં ગ્લાયસિરિઝન તત્ત્વો ઍસિડના સ્રાવને નિયં​​ત્રિત કરે છે. એની કુદરતી ચીકાશ પેટ અને અન્નનળીના અસ્તર પર એક રક્ષણાત્મક પડ બનાવે છે જે છાતીમાં થતી બળતરા અને ગૅસ્ટ્રાઇટિસ એટલે કે પેટની અંદરનો સોજો મટાડવામાં મદદરૂપ બને છે. ખાટો ઓડકાર અથવા ઍસિડ ઉપર આવવાથી ગળા અને અન્નનળીમાં જે બળતરા થાય છે એમાં મુલેઠીનું સેવન રાહત આપે છે.

અવાજ બેસી જવો અથવા ગળામાં સોજાની સમસ્યા માટે મુલેઠી ઉત્તમ ઔષધિ છે. એ ગળાને અંદરથી સૂધનિંગ ઇફેક્ટ આપે છે, સોજો મટાડે છે અને અવાજને સુધારવામાં મદદ કરે છે. મુલેઠીના નાના ટુકડાને મોઢામાં રાખીને ધીમે-ધીમે ચાવી એનો રસ ગળામાં ઉતારવાથી રાહત મળે છે. મુલેઠી મોઢાનાં ચાંદાં મટાડવા માટે ખૂબ જ અકસીર અને ગુણકારી ઔષધ છે. એ સોજો ઘટાડવામાં અને ઘા રૂઝવવામાં મદદ કરે છે. મુલેઠીનો નાનો ટુકડો મોંમાં રાખીને ચૂસવાથી ચાંદાંમાં ઝડપી રાહત મળે છે.

મુલેઠી શ્વસનતંત્રની તકલીફો માટે ઉત્તમ દેશી ઉપચાર છે. એ ફેફસાંમાં જામેલા કફને પાતળો કરીને બહાર કાઢવામાં મદદ કરે છે, જેથી છાતીમાં હળવાશ લાગે છે. એ શ્વાસનળીના સ્નાયુઓને આરામ આપે છે અને એને પહોળા કરે છે જેથી શ્વાસ લેવામાં સરળતા રહે છે.

કોણે સાવચેતી રાખવી?

જેઠીમધનો ઉપયોગ લાંબા સમય સુધી અથવા વધુ માત્રામાં કરી શકાય એમ નથી. મુલેઠીમાં ગ્લાયસિરિઝિન તત્ત્વ હોય છે જે બ્લડ-પ્રેશરને અચાનક વધારી શકે છે. કિડની સંબંધિત બીમારીઓમાં મુલેઠી શરીરમાંથી પ્રવાહી અને ક્ષારને બહાર કાઢવાની પ્રક્રિયાને અવરોધી શકે છે. મુલેઠીથી શરીરમાં સોડિયમ જમા થવાથી હાથ, પગ કે ચહેરા પર સોજાની સમસ્યા થાય છે. પ્રેગ્નન્સી દરમિયાન એનું વધુ સેવન કરવાથી હૉર્મોન્સમાં અસંતુલન થવાની અથવા અકાળ પ્રસવની શક્યતાઓ વધી શકે છે. આ સિવાય જે લોકો હૃદયની બીમારી, ડાયાબિટીઝ કે બ્લડ-પ્રેશરની નિયમિત દવાઓ લઈ રહ્યા હોય તેમણે પણ આયુર્વેદિક ડૉક્ટરની સલાહ લીધા વિના મુલેઠીનું સેવન ન કરવું જોઈએ.   

ખરીદવામાં ધ્યાન રાખવું

જેઠીમધના મૂળમાં કેટલાક લોકો ડાળીઓ પણ મિક્સ કરી દે છે. મૂળ જાડાં અને રેસાદાર હોય છે અને ડાળી પાતળી. એટલે જેઠીમધ ખરીદતી વખતે એમાં રેસા હોય એનું ધ્યાન રાખવું.

Whatsapp-channel Whatsapp-channel

26 June, 2026 01:17 PM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK