મુંબઈની લોકલ ટ્રેનમાં મંગળવારે એક યુવકની ચાકુ મારીને હત્યા કરાઈ હોવાનો મુદ્દો ગુરુવારે મહારાષ્ટ્ર વિધાનસભામાં ગાજ્યો હતો
મયંક લોહાર
મુંબઈની લોકલ ટ્રેનમાં મંગળવારે એક યુવકની ચાકુ મારીને હત્યા કરાઈ હોવાનો મુદ્દો ગુરુવારે મહારાષ્ટ્ર વિધાનસભામાં ગાજ્યો હતો. વિપક્ષી સભ્યો દ્વારા આ મામલે ઉગ્ર રજૂઆતો કરવામાં આવ્યા બાદ સ્પીકર રાહુલ નાર્વેકરે રાજ્ય સરકારને ૨૯ જૂને આ ઘટના અંગે ગૃહમાં સત્તાવાર નિવેદન આપવાનો નિર્દેશ કર્યો હતો.
કૉન્ગ્રેસના વિધાનસભ્ય નાના પટોલેએ આ ઘટનાને અત્યંત ગંભીર ગણાવતાં કહ્યું હતું કે આ મામલો લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતા સામાન્ય નાગરિકોની સુરક્ષા સાથે જોડાયેલો છે. ટ્રેનના મુસાફરોની સલામતી અને સુરક્ષા-વ્યવસ્થા પર ચર્ચા કરવાની માગણી સાથે તેમણે આ કેસમાં ઝડપથી ન્યાય મળવો જોઈએ એવી અપીલ કરી હતી. તેમણે સરકાર પર પ્રહારો કરતાં કહ્યું હતું કે ‘ચુસ્ત સુરક્ષા-વ્યવસ્થાના દાવાઓ વચ્ચે મુંબઈમાં આવી ગંભીર ઘટના બને એ અત્યંત કમનસીબ છે. સરકારે આ મામલે તાત્કાલિક તપાસ કરીને અત્યાર સુધી શું પગલાં લેવામાં આવ્યાં છે એની માહિતી ગૃહને આપવી જોઈએ.’
ADVERTISEMENT
વિધાનસભ્યો દ્વારા વ્યક્ત કરવામાં આવેલી આ ગંભીર ચિંતાઓ પર પ્રતિક્રિયા આપતાં સ્પીકર રાહુલ નાર્વેકરે સ્વીકાર્યું હતું કે આ ઘટના પર સરકારનું તાત્કાલિક ધ્યાન જવું અનિવાર્ય છે અને તેમણે સરકારને આ અંગે સ્ટેટમેન્ટ રજૂ કરવા જણાવ્યું છે.
