આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાના શૂટિંગને લગતા વિડિયો પર સુનાવણી કરવાની સુપ્રીમ કોર્ટે ના પાડીને કહ્યું કે...
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
સુપ્રીમ કોર્ટે સોમવારે આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાના વાઇરલ વિડિયો સામે કાર્યવાહી કરવાની માગણી કરતી અરજી સાંભળવાનો ઇનકાર કરી દીધો હતો. આ વિડિયોમાં મુખ્ય પ્રધાન એક ખાસ સમુદાયના સદસ્યો સામે રાઇફલથી નિશાન તાકીને ફાયરિંગ કરતા દેખાય છે. ચીફ જસ્ટિસ સૂર્યકાન્ત, જસ્ટિસ જૉયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ પંચોલીની સંયુક્ત બેઠકે પિટિશનર્સની અરજી સાંભળવાની ના પાડતાં કહ્યું હતું કે ‘ચૂંટણી પહેલાં કોર્ટના દરવાજા ખટખટાવવાનો હવે ટ્રેન્ડ પડી ગયો છે. કોર્ટને પ્લેગ્રાઉન્ડ ન બનાવશો. આ મુદ્દો ઉઠાવવો હોય તો ગુવાહાટી હાઈ કોર્ટમાં જઈ શકો છો.’
આસામમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે એનો ઉલ્લેખ કરતાં જસ્ટિસ સૂર્યકાન્તે કહ્યું હતું કે ‘સમસ્યા એ છે કે ચૂંટણીનો એક હિસ્સો ચૂંટણી પહેલાં લડાતો હોય છે. અમે પાર્ટીઓને સંયમ રાખવાનું અને સંવિધાનની નૈતિક સીમાઓમાં રહેવાનું કહીશું, કેમ કે ચૂંટણી પહેલાં આવા મામલાઓ ઉઠાવવાનો હવે ટ્રેન્ડ બની રહ્યો છે. અમે અરજીકર્તાઓને રાહત આપવાની કોશિશ કરીશું તો પણ આ શૉર્ટકટ ઠીક નથી.’


