ડિસેમ્બર ૨૦૨૪માં થયેલી ચૂંંટણીમાં વ્યાપક ગેરરીતિઓ થઈ હોવાની ફરિયાદો થઈ હતી
પ્રતીકાત્મક તસવીર
પંજાબમાં ડિસેમ્બર ૨૦૨૪માં યોજાયેલી મ્યુનિસિપલ ચૂંટણીઓમાં થયેલી વ્યાપક ગેરરીતિઓ બાદ લાંબી કાનૂની લડતના અંતે સુપ્રીમ કોર્ટે ૫૦ વૉર્ડમાં નવેસરથી ચૂંટણી યોજવાનો આદેશ આપ્યો હતો. આ આદેશમાં પટિયાલા મ્યુનિસિપલ કૉર્પોરેશનના ૨૮ વૉર્ડ અને મોગા જિલ્લાની બાઘાપુરાણા અને ધરમકોટ મ્યુનિસિપલ કાઉન્સિલના બાવીસ વૉર્ડનો સમાવેશ થાય છે.
આ નિર્ણય એક વિશેષ રિપોર્ટના આધારે લેવામાં આવ્યો હતો. ડિસેમ્બર ૨૦૨૪ની ચૂંટણી દરમ્યાન અનેક ઉમેદવારોએ ગંભીર આક્ષેપ કર્યા હતા કે શાસક આમ આદમી પાર્ટીના સભ્યો, કેટલાક પોલીસો અને અન્ય તત્ત્વોએ તેમને ઉમેદવારીપત્ર નોંધાવતાં બળજબરીપૂર્વક રોક્યા હતા. અરજદારોની ફરિયાદ હતી કે ઉમેદવારો પર શારીરિક હુમલા થયા, તેમનાં કપડાં ફાડી નાખવામાં આવ્યાં અને ઉમેદવારીપત્રો છીનવી લેવાયાં હતાં. પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટની સ્પષ્ટ સૂચનાઓ છતાં ઉમેદવારી-પ્રક્રિયાની વિડિયોગ્રાફી પણ કરવામાં આવી નહોતી.
ADVERTISEMENT
આ ગંભીર આક્ષેપોની તટસ્થ તપાસ માટે સુપ્રીમ કોર્ટે પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટના ભૂતપૂર્વ જજ જસ્ટિસ નિર્મલજિત કૌરના વડપણ હેઠળ એક ફૅક્ટ-ફાઇન્ડિંગ કમિશનની નિમણૂક કરી હતી. આ કમિશને તમામ પુરાવા અને સાક્ષીઓની તપાસ કરીને પોતાનો અહેવાલ કોર્ટમાં સુપરત કર્યો હતો. કમિશનનો આ રિપોર્ટ સુપરત થયા બાદ લોકશાહી પ્રક્રિયાને જાળવી રાખવા માટે હવે સુપ્રીમ કોર્ટે આ તમામ ૫૦ વૉર્ડમાં નવેસરથી પારદર્શક ચૂંટણી યોજવાનો આદેશ આપ્યો છે.
