જ્યાં સુધી ટેકરીની નવી પરિભાષા ન બને ત્યાં સુધી ખાણકામ પર સ્ટે ચાલુ રહેશે
સુપ્રીમ કોર્ટ
બુધવારે સુપ્રીમ કોર્ટે અરાવલીમાં હજીયે ગેરકાનૂની રીતે ખાણકામ થઈ રહ્યું હોવાની નોંધ લઈને રાજસ્થાન સરકારને આ બાબતે કડક પગલાં લેવાનો નિર્દેશ કર્યો હતો. આ ગેરકાયદે ખાણકામથી થઈ રહેલી અપૂરણીય ક્ષતિ સંદર્ભે સુપ્રીમ કોર્ટે ગઈ કાલે કહ્યું હતું કે આ બાબતે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતોની એક ટીમ બનાવવામાં આવશે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જૉયમલ્લા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેન્ચે વધારાનાં સૉલિસિટર જનરલ (ASG) ઐશ્વર્યા ભાટી અને ન્યાયમિત્ર કે. પરમેશ્વરને ૪ અઠવાડિયાંની અંદર ખાણકામ ક્ષેત્રના નિષ્ણાત પર્યાવરણવાદીઓ અને વૈજ્ઞાનિકોનાં નામ સૂચવવા જણાવ્યું છે જેથી આ મુદ્દે વિભિન્ન પહેલુઓની તપાસ માટે નિષ્ણાત સમિતિનું ગઠન થઈ શકે.
સુપ્રીમ કોર્ટે એના એ આદેશનો પણ વિસ્તાર કર્યો હતો જેમાં અરાવલીના પહાડો અને પર્વતમાળાને એકસમાન પરિભાષિત સ્વીકારવાના ૨૦ નવેમ્બરના આદેશને સ્થગિત કર્યો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે આ સ્ટે ચાલુ રહેશે.


