ચોક્કસ પ્લાનિંગ કરીને તેમને પકડ્યા : બુધવારે આરોપીઓને ગાંધીધામમાં પૈસા અને મોબાઇલ મળવાના હતા : તેમને કોણ અને કેવી રીતે પૈસા અને મોબાઇલ ફોન આપવાનું હતું એની પોલીસ કરી રહી છે તપાસ
વિકી ગુપ્તા અને સાગર પાલ
સલમાન ખાનના ઘરની બહાર રવિવારે પરોઢિયે ફાયરિંગ કરીને પલાયન થઈ ગયેલા વિકી ગુપ્તા અને સાગર પાલની કચ્છના લખપત તાલુકામાં માતાના મઢેથી સોમવારે રાત્રે ૧.૩૦ વાગ્યે કચ્છના વેસ્ટ ઝોનના ક્રાઇમ બ્રાન્ચના સાત અધિકારીઓએ ધરપકડ કરી હતી. આરોપીઓને જરા પણ શંકા ન જાય એ માટે મંદિરથી આશરે દોઢ કિલોમીટર દૂર વાહન પાર્ક કરી ત્યાંથી ચાલીને યાત્રાળુઓ સાથે મંદિરમાં પહોંચ્યા બાદ ત્રણ મિનિટના ચોક્કસ પ્લાનિંગમાં આરોપીઓ પોલીસના હાથમાં આવ્યા હતા.
મુંબઈમાં પાંચ રાઉન્ડ ફાયરિંગ કરીને પલાયન થઈ ગયેલા આરોપીઓ પોતાના બચાવ માટે કંઈ પણ કરી શકે એમ હતા એમ જણાવીને ક્રાઇમ બ્રાન્ચના સિનિયર ઇન્સ્પેક્ટર એસ. ચુડાસમાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મુંબઈની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સોમવારે સાંજે પાંચ વાગ્યે અમને જાણ કરવામાં આવી હતી કે મુંબઈમાં સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરીને નાસી ગયેલા આરોપીઓ કચ્છમાં આવ્યા છે. ત્યાર બાદ અમને તેમણે આરોપીઓનું લોકેશન આપ્યું હતું. એના આધારે હું અને મારી સાથે છ લોકોની ટીમ લોકેશન અનુસાર નખત્રાણા માર્કેટમાં રાતે આઠ વાગ્યે પહોંચ્યા હતા. ત્યાં તેમને શોધતાં તેઓ મળ્યા નહોતા. અંતે અમે મુંબઈ પોલીસ પાસેથી આરોપીઓની વિગત મેળવી હતી. ત્યાર બાદ આરોપીઓનું લોકેશન એક-એક મિનિટ પર અમને મળતું રહે એ માટે તેઓ જે કંપનીનું સિમ કાર્ડ વાપરી રહ્યા હતા એના નોડલ અધિકારીને જાણ કરીને રાત્રે પણ કામ કરવું પડશે એવી કડક સૂચના સિનિયર અધિકારીઓ પાસેથી અપાવી હતી એટલે અમને તેમની માહિતી મળતી થઈ ગઈ હતી.’
ADVERTISEMENT
રાત્રે સાડાઆઠ વાગ્યે આરોપીઓ માતાના મઢ તરફ વળ્યા હોવાની અમને જાણ થતાં અમે પણ એ દિશામાં આગળ વધી રહ્યા હતા એમ જણાવીને ઇન્સ્પેક્ટર ચુડાસમાએ જણાવ્યું હતું કે ‘હાલમાં ચાલી રહેલી નવરાત્રિને કારણે કેટલાક ભક્તો મંદિરમાં પગપાળા જતા હોય છે એટલે આરોપીઓને ટ્રૅક કરવા અમારા માટે મુશ્કેલીભર્યું હતું. આરોપીઓ બિશ્નોઈ ગૅન્ગના હોવાથી પોલીસના પડછાયાને પણ દૂરથી ઓળખી લે એવી પૂરેપૂરી શક્યતા હતી. એટલે અમે મંદિરથી આશરે દોઢ કિલોમીટર દૂર અમારાં વાહનો ઊભાં રાખી દીધાં હતાં અને ટીમના અધિકારીઓ મંદિર પગપાળા જતા લોકો સાથે ભળી ગયા હતા. રાત્રે આશરે સાડાબાર વાગ્યે અમે મંદિરમાં પહોંચ્યા હતા. પ્લાનના ભાગરૂપે બધા અધિકારીઓ અલગ-અલગ વેશમાં અલગ-અલગ જગ્યા પર આરોપીઓની ઓળખ કરવા માટે ગોઠવાઈ ગયા હતા. ત્યારે અમારી એક ટીમે આરોપીઓને ઓળખી કાઢ્યા હતા અને અમને ઇશારા સાથે સંદેશ આપ્યો હતો. આરોપીઓએ મુંબઈમાં ફાયરિંગ કર્યું હોવાથી તેમની પાસે હથિયાર હોવાની શક્યતા પૂરેપૂરી હતી. જો એમ જ તેમને પકડવા જઈએ તો તેઓ પોતાને બચાવવા માટે કંઈ પણ કરી શકે એવી શક્યતા જણાતી હતી. મંદિરમાં એક તરફ હવન ચાલુ હોવાથી મોટા પ્રમાણમાં ભાવિકો હતા. કોઈને કંઈ ન થાય એ માટે ફરી એક વાર અમારી ટીમ મંદિરના પાછળના ભાગમાં મળી હતી. ત્યારે આરોપીઓને કોઈ પણ ઘટના કરતાં રોકવા માટે તેમના માત્ર હાથના પંજા પકડવાની સૂચના આપવામાં આવી હતી. એ પ્લાન અનુસાર અમે અલગ-અલગ રસ્તેથી મંદિરમાં પ્રવેશીને માત્ર ત્રણ મિનિટમાં તેમને પકડી પાડ્યા હતા. તેમને તરત દયાપર પોલીસ-સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા.’
દયાપર પોલીસ સ્ટેશનમાં મુંબઈ પોલીસના આશરે ૧૨થી ૧૫ અધિકારીઓની અલગ-અલગ ટીમ આવી પહોંચી હતી એમ જણાવીને ઇન્સ્પેક્ટર ચુડાસમાએ જણાવ્યું હતું કે ‘ત્યાં આરોપીઓના બૂટથી લઈને બૅગ તપાસતાં એમાંથી ઘટના સમયે તેમણે પહેરેલાં કપડાં મળી આવ્યાં હતાં. તેમની પાસેથી ૭૦૦૦ રૂપિયા રોકડા પણ મળી આવ્યા હતા. તેઓ કઈ રીતે કચ્છ સુધી પહોંચ્યા એની માહિતી પૂછતાં તેમણે જણાવ્યું હતું કે ઘટનાના એક દિવસ પહેલાં તેમને ૧૦,૦૦૦ રૂપિયા રોકડા આપીને ગાંધીધામમાં બુધવારે બાકીની રકમ અને ઍન્ડ્રૉઇડ મોબાઇલ આપવામાં આવશે એવો વાયદો કરવામાં આવ્યો હતો. એટલે આરોપીઓ ઘટનાને અંજામ આપ્યા બાદ રોડથી ટ્રાવેલિંગ કરીને ગુજરાત બૉર્ડર સુધી પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ સુરત બસ-સ્ટૅન્ડ પહોંચીને અમદાવાદ બસમાં પહોંચ્યા હતા. ત્યાર બાદ ત્યાંથી બસમાં ગાંધીધામ પહોંચ્યા હતા. જોકે ગાંધીધામમાં બે દિવસ રહેવા કરતાં ત્યાંથી ભુજ બસમાં આવ્યા હતા. ભુજ માર્કેટમાં આશરે ત્રણ કલાક ફર્યા બાદ તેમને માતાજીના મંદિરની જાણ થઈ હતી એટલે તેઓ નખત્રાણા પહોંચ્યા હતા. ત્યાંની માર્કેટમાં તેઓ ત્રણથી ચાર કલાક ફર્યા હતા અને નાસ્તો-પાણી કર્યાં હતાં. ત્યાર બાદ તેઓ માતાજીના મંદિરની દિશામાં આવ્યા હતા. અહીં આવીને એક યુવાન સૂઈ ગયો હતો અને બીજો જાગીને પહેરો દઈ રહ્યો હતો.’
તેમને બુધવારે ગાંધીધામમાં પૈસા અને મોબાઇલ કોઈ આપવાનું હતું એટલે અહીં તેમના સાગરીતો હોય એવી શક્યતા જોઈને ક્રાઇમ બ્રાન્ચ ગાંધીધામમાં તેમને કોણ અને કેવી રીતે પૈસા અને મોબાઇલ ફોન આપવાનું હતું એ શોધવાના કામમાં લાગી છે.
સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગમાં સામેલ યુવકના પિતાએ કહ્યું, હું નથી જાણતો તે મુંબઈ કઈ રીતે પહોંચ્યો
સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા એક આરોપીના પિતાએ જણાવ્યું હતું કે તેમને આ કેસમાં પુત્રની સંડોવણી વિશે જાણીને બહુ આઘાત લાગ્યો છે. અભિનેતાના ઘરની બહાર પાંચ રાઉન્ડ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયેલા ૨૧ વર્ષના સાગર પાલ અને ૨૪ વર્ષના વિકી ગુપ્તાની કચ્છના માતાના મઢમાંથી ધરપકડ કરવામાં આવી હતી. બન્ને આરોપીઓ બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લાના મહસી ગામના રહેવાસી છે.
દૈનિક મજૂરી કરતા સાગર પાલના પિતા જોગિન્દર શાહે જણાવ્યું હતું કે ‘સોશ્યલ મીડિયામાં સાગરનું નામ આવતાં જ મને ખરેખર આઘાત લાગ્યો હતો. આ કેવી રીતે બન્યું એ અમે નથી જાણતા. તેણે પહેલાં ક્યારેય કોઈ ગુનો નથી કર્યો. તે એક સામાન્ય વ્યક્તિ હતો અને જલંધર (પંજાબ)માં કામ કરતો હતો. હું નથી જાણતો તે મુંબઈ કેવી રીતે પહોંચ્યો.’

