ચિક્કાર ભીડને લીધે દરવાજા પર ઊભેલી ડોમ્બિવલીની ૨૬ વર્ષની ગુજરાતી યુવતી રિયા મોતા દિવા ને કોપર સ્ટેશન વચ્ચે પડી ગઈ
રિયા મોતા
ડોમ્બિવલી-ઈસ્ટમાં રહેતી ૨૬ વર્ષની રિયા શામજી મોતા (રાજગોર) ગઈ કાલે સવારે થાણે જવા ડોમ્બિવલીથી ફાસ્ટ ટ્રેનમાં ચડી હતી. જોકે કોપર અને દિવા સ્ટેશનની વચ્ચે ટ્રૅક પર પટકાતાં તેનું મૃત્યુ થયું હતું. ડોમ્બિવલીથી સવારે પીક અવર્સમાં ટ્રેનમાં થતી ભીડને કારણે દરવાજા પર જ ઊભેલી રિયાનો હાથ છૂટી ગયો હતો અને તે ટ્રૅક પર પટકાઈ હોવાનું ડોમ્બિવલી ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ કહ્યું હતું.
આ ઘટનામાં મૃત્યુ પામેલી રિયાના કાકા ભરત મોતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રિયાનો મધ્યમવર્ગીય પરિવાર ભાડાના ઘરમાં રહે છે અને પપ્પાની નોકરી છૂટી ગયા બાદ તેણે જ ઘર સંભાળી
લીધું હતું. હવે તેના જવાથી પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. અમે તો તેનાં લગ્ન માટે છોકરો પણ શોધી રહ્યા હતા. ટ્રેનની ગિરદીને કારણે આ બન્યું. ગિરદીને કારણે અવારનવાર આવા
ઍક્સિડન્ટ થાય છે અને લોકો જીવ ગુમાવે છે, સરકાર કંઈ કરતી નથી. ગિરદી ઓછી કરવા માટે ટ્રેનો વધારવાની અનેક વાર રજૂઆત કરી છે, પણ કોઈ ઉકેલ આવતો નથી. હું પોતે રોજ આવી જ ગિરદીમાં દાદર જૉબ પર જાઉં છું. સરકાર આનો ઉકેલ લાવે તો સારું.’ રિયાની મોટી બે બહેનો પરણી ગઈ છે. રિયાના પપ્પા શામજીભાઈ ઘાટકોપરમાં એક દુકાનમાં નોકરી કરતા હતા, પણ હવે નિવૃત્ત છે.
ડૉમ્બિવલીથી ફ્રીક્વન્સી વધારવાની જરૂર છે
ADVERTISEMENT
ડોમ્બિવલી GRPના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર કિરણ ઉંદરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ડોમ્બિવલીથી રોજ લાખો લોકો છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) ટ્રેન પકડી જૉબ પર જતા હોય છે. ડોમ્બિવલીથી ચાલુ થતી ટ્રેનોની સંખ્યા બહુ ઓછી હોવાથી તેમણે મોટા ભાગે કલ્યાણ અને આગળથી આવતી ટ્રેનો પર આધાર રાખવો પડતો હોય છે. પીક અવર્સમાં સખત ગિરદી રહેતી હોવાથી અવારનવાર અકસ્માત થતા રહે છે અને લોકો જીવ ગુમાવે છે. ચાર દિવસ પહેલાં જ ડોમ્બિવલીના અવધેશ દુબે નામના એક યુવાનનું મૃત્યુ થયું હતું. જો ડોમ્બિવલીથી સ્ટાર્ટ થતી ટ્રેનો વધુ દોડાવવામાં આવે તો લોકો સુરિક્ષત પ્રવાસ કરી શકે. આ માટે રેલવેને રજૂઆત પણ કરવામાં આવી છે.’
રેલવેનું શું કહેવું છે?
વધારે ટ્રેનની ડિમાન્ડ વિશે સેન્ટ્રલ રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર ડૉ. સ્વપ્નિલ ડી. નીલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલ અમે દર ૩ મિનિટના અંતરે એક ટ્રેન છોડીએ છીએ. બે ટ્રેન વચ્ચેનો સમયગાળો હવે આના કરતાં વધુ ઓછો થઈ શકે એમ નથી. બીજું, જો અમારે ડોમ્બિવલીથી શરૂ થાય એવી ટ્રેનો વધારવી હોય તો અન્ય સ્ટેશનની ટ્રેનો (કલ્યાણ) પર કાપ મૂકવો પડે જેનાથી ત્યાંના કમ્યુટર્સને એનો ફટકો પડે, એટલે એ પણ શક્ય નથી. અકસ્માતની સમસ્યાના સમાધાન માટે બે જ ઉકેલ છે. એક સાઉથ મુંબઈમાં આવેલી સરકારી ઑફિસો, બૅન્કો, LIC જેવી સંસ્થાઓ અને પ્રાઇવેટ કંપનીની ઑફિસો તેમની ઑફિસના ટાઇમમાં થોડો ફેરફાર કરે; સવારે ૦૯.૩૦ કે ૧૦ને બદલે ૧૦.૩૦, ૧૧.૦૦, ૧૧.૩૦ એ રીતે ચાલુ કરે જેથી પીક અવર્સમાં જે ગિરદી થાય છે એ ડિસ્ટ્રિબ્યુટ થઈ જાય. બીજું CSMTથી કર્જત કે કસારા એમ સ્ટાર્ટ ટુ એન્ડ સુધી જો વધારાની લાઇન નાખીએ અને ટ્રૅકની સંખ્યા વધારીએ તો વધુ ટ્રેનો દોડાવી શકાય જે બહુ જ લાંબો સમય માગી લે એવું ભગીરથ કાર્ય છે. એ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.’

