ફૅટી લિવરને કારણે નજીકના સંબંધીઓમાં જ્યારે લિવર ટ્રાન્સપ્લાન્ટનાં ઑપરેશન કરવાનાં હોય ત્યારે સમસ્યા ઊભી થાય છે
પ્રતીકાત્મક તસવીર
અપોલો હૉસ્પિટલના ‘હેલ્થ ઑફ ધ નેશન ૨૦૨૫’ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે જન્ક અને પ્રોસેસ્ડ ફૂડના વપરાશમાં વધારાને કારણે ગુજરાતમાં ૪૦ વર્ષથી વધારે ઉંમરના ૪૦ ટકા લોકોને ફૅટી લિવરનો રોગ હોવાનું નિદાન થયું છે. સામાન્ય રીતે શરાબ પીવાથી લિવર ખરાબ થાય છે, પણ આ નૉન-આલ્કોહૉલિક ફૅટી લિવરનો રોગ લિવર ટ્રાન્સપ્લાન્ટને વધારે જટિલ બનાવે છે. ફૅટી લિવરનો રોગ સ્થૂળતા, ડાયાબિટીઝ અને હાઇપરટેન્શનના વધતા દર સાથે જોડાયેલો છે.
‘હેલ્થ ઑફ ધ નેશન ૨૦૨૫’ સર્વે માટે દેશમાં ૨.૫ લાખ લોકોએ પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ માટે નામ નોંધાવ્યાં હતાં અને ૬૫ ટકા લોકોમાં અગાઉ લિવરના રોગનો કોઈ રેકૉર્ડ નહોતો. ચેકઅપમાં તેમને ફૅટી લિવર હોવાનું જાણવા મળ્યું હતું. એમાં પણ બાવન ટકા લોકોમાં લિવર એન્ઝાઇમ સામાન્ય સ્તરે હતું અથવા તો નૉન-આલ્કોહૉલિક ફૅટી લિવર ડિસીઝ (NAFLD) તરીકે ઓળખાતી સ્થિતિ હતી. ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS)ના અભ્યાસમાં જોવા મળેલા ૩૮ ટકાની તુલનામાં આ આંકડો નોંધપાત્ર રીતે વધારે હતો. રિપોર્ટમાં જણાવ્યા મુજબ ગુજરાત કૅલરી-રિચ સ્ટેટ છે અને લોકોના ખોરાકમાં વધારે પડતો ચરબીયુક્ત ખોરાક હોવાને કારણે તેમના લિવર ફૅટી બની જાય છે. બટર અને ચીઝયુક્ત ખોરાકને કારણે શરીરમાં સૅચુરેટેડ અને ટ્રાન્સફૅટ્સનું પ્રમાણ વધે છે. ૪૦ વર્ષથી ઉપરની ઉંમરના લોકોના હેલ્થચેકમાં આ વિગતો જાણવા મળી હતી.
ADVERTISEMENT
ડૉક્ટરો જણાવે છે કે ફૅટી લિવરને કારણે નજીકના સંબંધીઓમાં જ્યારે લિવર ટ્રાન્સપ્લાન્ટનાં ઑપરેશન કરવાનાં હોય ત્યારે સમસ્યા ઊભી થાય છે. ઘણી વાર ફૅટી લિવરના વ્યાપને કારણે નજીકના સંબંધીઓના ઘણા સંભવિત લિવર દાતાઓને નકારવા પડે છે. ૧૦ ટકા દરદીઓમાં લિવર દાતા મળતા નથી. પહેલાં ફૅટી લિવર માટે શરાબને કારણભૂત માનવામાં આવતો હતો, પણ હવે એ સ્થાન ચરબીએ લીધું છે.


