Rahul Gandhi Slams BJP: કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભોપાલમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ-આરએસએસ પર જોરદાર નિશાન સાધ્યું. રાહુલે યુદ્ધવિરામ અંગે પીએમ મોદી પર કટાક્ષ કર્યો, કહ્યું...
રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-ડે)
કૉંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભોપાલમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ-આરએસએસ પર જોરદાર નિશાન સાધ્યું. રાહુલે યુદ્ધવિરામ અંગે પીએમ મોદી પર કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે ટ્રમ્પ તરફથી ફોન આવ્યો હતો અને નરેન્દ્રએ સરેન્ડર કર્યું. રાહુલે કહ્યું કે જો ભાજપ-આરએસએસના લોકો પર થોડું પણ દબાણ કરવામાં આવે તો તેઓ ડરીને ભાગી જાય છે. દેશમાં વૈચારિક લડાઈ પર ભાર મૂકતા રાહુલ ગાંધીએ ભાજપ પર ભારતના બંધારણને નબળું પાડવાનો અને સામાજિક ન્યાયની વિરુદ્ધ કામ કરવાનો આરોપ લગાવ્યો.
`ટ્રમ્પે કહ્યું નરેન્દ્ર, સરેન્ડર`
રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું, `ડોનલ્ડ ટ્રમ્પે ત્યાંથી ફોન કરીને કહ્યું- નરેન્દ્ર, સરેન્ડર! અને અહીં નરેન્દ્ર મોદીએ તરત જ `જી હુઝૂર` કહીને તેમની સૂચનાઓનું પાલન કર્યું. રાહુલે ભાજપ-આરએસએસની માનસિકતા પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે તેમનો `સરેન્ડર ચિટ્ઠી` લખવાનો ઇતિહાસ રહ્યો છે.
ADVERTISEMENT
1971ના યુદ્ધનો ઉલ્લેખ
રાહુલે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધનો ઉલ્લેખ કરતી વખતે ઇન્દિરા ગાંધીના દૃઢ નિશ્ચયને યાદ કર્યો. તેમણે કહ્યું, "જ્યારે યુએસ સેવન્થ ફ્લીટ ભારતને ધમકી આપવા આવ્યો, ત્યારે ઇન્દિરાજીએ કહ્યું હતું, "હું જે કરવા માગુ છું તે જ કરીશ." પરંતુ ભાજપ-આરએસએસનું પાત્ર એવું છે કે જો તેમને દબાણ કરે, તો તે તરત જ ઝૂકી જાય છે." રાહુલે કહ્યું, "1971માં કૉંગ્રેસે સુપરપાવરની ધમકી છતાં પાકિસ્તાન તોડી નાખ્યું. આપણા સિંહો અને સિંહણો ક્યારેય ઝૂકતા નથી, પણ લડે છે."
સામાજિક ન્યાય માટે લડાઈ, જાતિ-વસ્તી ગણતરીનું વચન
રાહુલે કૉંગ્રેસની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો અને કહ્યું કે તેમનો પક્ષ સામાજિક ન્યાય માટેની લડાઈને મજબૂત બનાવશે. તેમણે વચન આપ્યું, "અમે લોકસભામાં જાતિ વસ્તી ગણતરીનું બિલ પાસ કરાવીશું." ભાજપ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે દબાણ વધતાં જ ભાજપ-આરએસએસના નેતાઓ જાતિ વસ્તી ગણતરી વિશે વાત કરે છે, પરંતુ તેનો અમલ કરવાનો તેમનો કોઈ ઈરાદો નથી.
`અમને અદાણી-અંબાણી જેવો દેશ નથી જોઈતો`
રાહુલે ભાજપ પર કૉર્પોરેટ્સને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું, `ભાજપ-આરએસએસ દેશમાં ન્યાય નથી ઈચ્છતા. તેઓ અદાણી-અંબાણી જેવો દેશ ઈચ્છે છે, સામાજિક ન્યાયવાળું ભારત નહીં.` કૉંગ્રેસના નેતાઓ - ગાંધી, નેહરુ અને સરદાર પટેલનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે આ લોકો મહાસત્તાઓ સામે લડ્યા હતા, તે કોઈના દબાણ સામે ઝુક્યા નહોતા.
ભાજપ પર કટાક્ષ: `તેમના પર દબાણ કરો, તેઓ ભાગી જાય છે`
ભાજપ-આરએસએસ પર કટાક્ષ કરતા રાહુલે કહ્યું, "તેમના પર થોડું પણ દબાણ કરો તો તે ડરીને ભાગી જાય છે." નરેન્દ્ર મોદી, મોહન ભાગવત અને નીતિન ગડકરીનું નામ લેતા તેમણે કહ્યું કે આ લોકો દબાણમાં મોટા દાવા કરે છે, પરંતુ વાસ્તવમાં સામાજિક ન્યાયની વિરુદ્ધ કામ કરે છે.

