મૅરેજ-સર્ટિફિકેટનું વેરિફિકેશન કરવાની અને ચૅટમાંથી હાર પહેરેલા ફોટો રિકવર કરવાની પ્રક્રિયા પોલીસે શરૂ કરી
સિયા અને ચેતન
પુણેના બિઝનેસમૅન કેતન અગ્રવાલ હત્યાકેસની તપાસ કરી રહેલી પુણે પોલીસ કેસનાં આરોપીઓ સિયા અને ચેતનની વૉટ્સઍપ ચૅટની તપાસ કરી રહી છે. એવું કહેવાય છે કે છેલ્લા ૭ મહિનાની ચૅટ મળી છે જેમાં જણાયું હતું કે ૪ મહિના પહેલાં જ સિયા અને ચેતને લોકલ રજિસ્ટ્રારની ઑફિસમાં ગુપચુપ લગ્ન કરી લીધાં હતાં. પોલીસ હવે તેમના મૅરેજ સર્ટિફિકેટનું વેરિફિકેશન કરવાની છે. તેમનાં લગ્ન વખતે હાર પહેરેલા ફોટો પણ પ્રાઇવેટ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા હતા અને પાછળથી ડિલીટ કરવામાં આવ્યા હતા. પોલીસ એ ફોટો રિકવર કરવાની કોશિશ કરી રહી છે. હવે પોલીસ એ ગુપચુપ કરેલાં લગ્ન વખતે વિટનેસ તરીકે હાજર રહેલા સિયાના બે મિત્રોની પણ પૂછપરછ કરવાની છે એમ સૂત્રોએ જણાવ્યું હતું. પોલીસને શંકા છે કે આ લગ્ન તેમણે સિયા-કેતનની ૧૯ ફેબ્રુઆરીએ થયેલી સગાઈની આસપાસ જ કર્યાં હોવાં જોઈએ. જોકે એ ગુપચુપ લગ્ન સગાઈ પહેલાં થયાં કે પછી એ વિશે તપાસ ચાલી રહી છે.
