Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ મોન્સૂન: કોઈ સોસાયટીમાં લાંબો મગર ઘૂસ્યો તો ક્યાંક ઝાડ પડ્યું!

મુંબઈ મોન્સૂન: કોઈ સોસાયટીમાં લાંબો મગર ઘૂસ્યો તો ક્યાંક ઝાડ પડ્યું!

Published : 08 July, 2026 07:49 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વરિષ્ઠ અધિકારીઓની પરવાનગી મળ્યા બાદ આ મગરને માનવ વસ્તીથી દૂર અેના સુરક્ષિત કુદરતી રહેઠાણમાં મુક્ત કરવામાં આવ્યો છે. 

પાર્કિંગમાં ગાડી નીચે મગર, આનંદનગર નજીકની ચાલમાં ધરાશાયી થયેલું વૃક્ષ હટાવતા અધિકારીઓ.

પાર્કિંગમાં ગાડી નીચે મગર, આનંદનગર નજીકની ચાલમાં ધરાશાયી થયેલું વૃક્ષ હટાવતા અધિકારીઓ.


પવઈમાં સોસાયટીની નજીક ૭ ફુટ લાંબો મગર ઘૂસ્યો

પવઈ લેક નજીક આવેલા મોરારજીનગરમાં નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગ (NITIE) પરિસર ખાતે ગઈ કાલે સવારે ૭ ફુટ લાંબો અેક મગર રહેણાક વિસ્તારના પાર્કિંગમાં ગાડી નીચે દેખાતા સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં જ BMC અને વન વિભાગની ટીમ હરકતમાં આવી હતી. વન વિભાગના કન્ટ્રોલ રૂમને સવારે ૭ વાગ્યે આ વિશેની ફરિયાદ મળી હતી જેના આધારે સિનિયર અધિકારીઓના માર્ગદર્શન હેઠળ મુલુંડ વન વિભાગનો સ્ટાફ, વાઇલ્ડલાઇફ વૉર્ડન પવન શર્મા, રેસ્ક્યુ ઇન્ક અસોસિએશન ફૉર વાઇલ્ડલાઇફ વેલ્ફેર (RAWW) NGO તેમ જ ‘સર્પ’ સંસ્થાના સભ્યો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સંયુક્ત ઑપરેશન હાથ ધરીને રેસ્ક્યુ ટીમે કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વિના આ વિશાળ મગરને અત્યંત સાવચેતીપૂર્વક સુરક્ષિત રીતે પકડી લીધો હતો. વરિષ્ઠ અધિકારીઓની પરવાનગી મળ્યા બાદ આ મગરને માનવ વસ્તીથી દૂર અેના સુરક્ષિત કુદરતી રહેઠાણમાં મુક્ત કરવામાં આવ્યો છે. 



નૅશનલ પાર્કમાં નદીમાં ફસાયેલા ડૉગીને બચાવવા બે કલાકનું રેસ્ક્યુ ઑપરેશન


નૅશનલ પાર્કમાં આવેલી નદીમાં ફસાયેલા એક ડૉગીને કસ્તુરબા માર્ગ પોલીસ-સ્ટેશનના પોલીસો તથા ફાયર-બ્રિગેડની ટીમે સાથે મળીને બે કલાકનું રેસ્ક્યુ ઑપરેશન કરીને બચાવી લીધો હતો. મુંબઈ પોલીસના કન્ટ્રોલ-રૂમને નદીમાં ડૉગી ફસાઈ ગયો હોવાની અને એમાંથી બહાર ન નીકળી શક્યો હોવાની માહિતી આપતો ફોન આવ્યો હતો. નૅશનલ પાર્કની બાઉન્ડરી વૉલ નજીકના બિલ્ડિંગમાં રહેતા એક રહેવાસીએ આ વિશે માહિતી આપતો ફોન કર્યો હતો. એક અધિકારીએ આપેલી માહિતી મુજબ ડૉગી નદીના પ્રવાહમાં તણાઈ ગયો હતો અને આસપાસ આવેલાં ઝાડી-ઝાંખરાંના સહારે ટકી રહ્યો હતો. ડૉગી એમાંથી બહાર નીકળવાનો સતત પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ સફળ થયો નહોતો. લગભગ બે કલાક પ્રયાસ કર્યા બાદ ડૉગીને બચાવવામાં સફળતા મળી હતી. ડૉગી સ્વસ્થ છે અને એને કોઈ ઈજા પણ નથી થઈ. 

વરસાદે ૩૦ મિનિટ ગોળ-ગોળ ફેરવ્યું ઇન્ડિગોના પ્લેનને


સતત વરસાદને કારણે મંગળવારે નવી મુંબઈ ઍરપોર્ટ પર ફ્લાઇટ્સને અસર થઈ હતી. એમાં પણ દિલ્હી-મુંબઈ દરમ્યાનની ઇન્ડિગોની ફ્લાઇટે ભારે વરસાદને કારણે ૩૦ મિનિટ સુધી હવામાં દસથી વધારે આંટા મારવા પડ્યા હતા. પ્લેન થોડા સમય સુધી નાશિક પાસે હવામાં આંટા મારતું રહ્યું અને ત્યાર બાદ માલેગાંવ અને કલ્યાણ નજીક પણ ગોળ-ગોળ ફરતું રહ્યું હતું. આખરે એને ડાઇવર્ટ કરીને હૈદરાબાદ ઍરપોર્ટ પર લૅન્ડ કરવું પડ્યું હતું. ખરાબ હવામાનને કારણે ફ્લાઇટને હૈદરાબાદ વાળવી પડી હતી. આ પહેલાં સોમવારે પણ વારાણસીથી મુંબઈ આવતી ઇન્ડિગો ઍરલાઇન્સની ફ્લાઇટને ખરાબ હવામાનના કારણે સુરત ડાઇવર્ટ કરવાની ફરજ પડી હતી.

થાણેમાં વરસાદને પગલે સોસાયટી પર વૃક્ષ પડ્યું : ૩ મકાનોને મોટું નુકસાન

સોમવારે રાત્રે પડેલા ભારે વરસાદ દરમ્યાન થાણેના રઘુનાથનગરમાં આનંદનગર સોસાયટીના કમ્પાઉન્ડમાં આવેલી એક ચાલ પર અચાનક એક મોટું વૃક્ષ ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં ૩ મકાનોને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. સદ્નસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી અને મોટી દુર્ઘટના ટળી ગઈ છે. આ ઘટનાની જાણ થતાં જ થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ના ગાર્ડન વિભાગની ટીમ અને ટાર્ગેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (TDRF)ની ટીમે રાહત અને બચાવ-કામગીરી શરૂ કરીને કડડડભૂસ થયેલા વૃક્ષને હટાવ્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

08 July, 2026 07:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK