Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

સુરત પાણી-પાણી

Published : 08 July, 2026 10:04 AM | Modified : 08 July, 2026 10:33 AM | IST | Surat
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શહેર અને જિલ્લામાં વરસાદી આફત : આજે પણ સ્કૂલો-કૉલેજો બંધ : ખાડીનાં પાણી ભયજનક બન્યાં

સુરતના વરાછા વિસ્તારમાં આવેલી એક માર્કેટમાં ભરાઈ ગયેલાં પાણી.

સુરતના વરાછા વિસ્તારમાં આવેલી એક માર્કેટમાં ભરાઈ ગયેલાં પાણી.


ગઈ કાલે પડેલા અતિ ભારે વરસાદને પગલે આખું દક્ષિણ ગુજરાત વરસાદી પાણીથી લથબથ થઈ ગયું હતું. ખાસ કરીને સુરત શહેર અને જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. કામરેજમાં ૧૬ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો તો પલસાણામાં ૧૪ ઇંચથી વધુ, સુરત શહેરમાં સવાબાર ઇંચ અને નવસારીમાં ૧૦ ઇંચથી વધુ મુશળધાર વરસાદ પડતાં જનજીવન ભારે પ્રભાવિત થયું હતું. 

સુરત શહેરમાં રાત્રે ૮ વાગ્યા સુધીમાં ૧૩ ઇંચથી વધુ મુશળધાર વરસાદે શહેરના હાલ બેહાલ કર્યા હતા અને શહેર જળબંબાકાર થયું હતું. સુરતમાં પર્વતપાટિયા, ઉધના, રાંદેર, જહાંગીરપુરા, પાંડેસરા, વરાછા, વેડરોડ, સિટિલાઇટ વિસ્તાર, સરથાણા, ડીંડોલી, સળિયા હેમાદ સહિતના અનેક વિસ્તારો જળમગ્ન બનતાં સ્થાનિક રહેવાસીઓને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. મીઠીખાડી અને ભેરવાડખાડીમાં પાણી ભયજનક સપાટીથી ઉપર વહેતાં મુશ્કેલી સર્જાઈ હતી.



વરાછા વિસ્તારના અન્ડરપાસમાં એક બસ પાણીમાં ફસાઈ ગઈ હતી. એમાં બેઠેલા ૨૮ જેટલા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે આ તમામ મુસાફરોને ટ્રૅક્ટરમાં બેસાડીને બહાર કઢાયા હતા. 


આજે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહીના પગલે વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં લઈને સુરત શહેર અને જિલ્લાની તમામ સ્કૂલોમાં રજા રાખવા સુરત જિલ્લા શિક્ષણાધિકારીએ જાહેરાત કરી હતી. 

સુરત જિલ્લાના કામરેજમાં પડેલા ૧૬ ઇંચ મુશળધાર વરસાદથી આખો પંથક જાણે કે જળમગ્ન થયો હોય એવી સ્થિતિ સર્જાઈ હતી. કામરેજમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીની સ્થિતિ સર્જાઈ હતી. વાવ ગામમાં આદિવાસી ફળિયામાં ૪૦ ઘરોમાં એક ફુટથી વધુ પાણી ભરાઈ જતાં લોકો પારાવાર હાલાકીમાં મુકાઈ ગયા હતા. બીજી તરફ દક્ષિણ ગુજરાતની પૂર્ણા અને અંબિકા નદીની જળસપાટી ભયજનક બની હતી.


સુરત પોલીસે પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે સરાહનીય કામગીરી કરી હતી.

નવસારીમાં ૧૪ ઇંચથી વધુ વરસાદ પડતાં શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા. ભારે વરસાદને કારણે વિજલપુરમાં ચંદન તળાવ ઓવરફ્લો થયું હતું. એનાં પાણી ભક્તિનગર સહિતના વિસ્તારોમાં ફરી વળ્યાં હતાં. નવસારીમાં માઇકથી અનાઉન્સમેન્ટ કરી લોકોને સાવચેત કરવામાં આવ્યા હતા.

૧૮૨ તાલુકામાં પડ્યો વરસાદ 
ગઈ કાલે રાત્રે ૮ વાગ્યા સુધીમાં ગુજરાતના ૧૮૨ તાલુકામાં વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાતના સુરત અને નવસારી જિલ્લા ઉપરાંત ડાંગ, વલસાડ, તાપી જિલ્લાઓમાં પણ વરસાદ પડ્યો હતો. ડોલવણમાં ૬ ઇંચ; સુબીરમાં સાડાપાંચ ઇંચ; વાલોડમાં સવાપાંચ ઇંચ; ગણદેવી, ચીખલી અને કપરાડામાં પાંચ ઇંચથી વધુ; નાનાપોંઢા અને પારડીમાં ૪ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.
૪ તાલુકાઓમાં ૧૦ ઇંચથી વધુ, ૧૬ તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ, ૨૩ તાલુકાઓમાં ૩ ઇંચથી વધુ, ૩૪ તાલુકાઓમાં ૨ ઇંચથી વધુ અને ૫૬ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.  

સુરત પોલીસની સરાહનીય કામગીરી 

સુરત શહેરમાં પડેલા ભારે વરસાદમાં પોલીસ-કર્મચારીઓની સરાહનીય કામગીરી ઊડીને આંખે વળગી હતી. સુરત શહેરમાં લગભગ તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. લોકોનાં ઘરોમાં પાણી ઘૂસી જતાં અનેક લોકો વરસાદી પાણીમાં ફસાઈ ગયા હતા. આવા સમયે પોલીસ-કર્મચારીઓ મદદે દોડી આવ્યા હતા. સુરતના અનેક વિસ્તારોમાં પોલીસો ક્યાંક કોઈ માજીને હાથમાં તેડીને બહાર સલામત સ્થળે લઈ ગયા હતા તો ક્યાંક છાતી સુધીનાં પાણી વચ્ચે કોઈ બહેનને ખભે ઊંચકીને સલામત સ્થળે ખસેડ્યાં હતાં. કેડ સુધી પાણી વચ્ચેથી અનેક ભાઈઓ-બહેનોને પોલીસોએ બહાર કાઢ્યાં હતાં. રસ્તામાં ભરાયેલા પાણી વચ્ચે ફસાયેલા નાગરિકો માટે ટ્રૅક્ટરની વ્યવસ્થા કરીને સૌને ટ્રૅક્ટરમાં બેસાડીને બહાર કાઢ્યા હતા. ઉલ્લેખનીય છે કે સુરતના સરથાણા પોલીસ-સ્ટેશન સહિત કેટલાંક પોલીસ-સ્ટેશનોમાં વરસાદી પાણી ભરાઈ જવા છતાં પોલીસોએ નાગ​રકોને સલામત સ્થળે ખસેડવા માટે જહેમત ઉઠાવી હતી.

એક તરફ હાલાકી, બીજી તરફ નાસ્તાપાર્ટી

સુરતમાં સાંબેલાધાર વરસાદની વચ્ચે મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ચૅરમૅન પદગ્રહણ સમારોહ યોજાયો : લોકોમાં ફેલાયો રોષ

સુરતમાં ગઈ કાલે પડેલા સાંબેલાધાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને શહેરીજનો પારાવાર હાલાકીમાં મુકાયા હતા. એવા સમયે મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં પ્રજાના પ્રતિનિધિઓનો ચૅરમૅન પદગ્રહણ સમારોહ યોજાયો હતો અને નાસ્તાપાર્ટી થતાં સુરતના નાગરિકોમાં રોષ ફેલાયો હતો.  સુરતમાં નવા ચૂંટાયેલા કૉર્પોરેટરોમાંથી સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનની જુદી-જુદી કમિટીઓના ચૅરમૅનનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કમિટીઓના ચૅરમેનોને સૌએ અભિનંદન અને શુભકામના પાઠવી હતી. ત્યાર બાદ સૌએ નાસ્તાપાર્ટી કરીને જ્યાફત ઉડાવી હતી. બરાબર એ જ સમયે સુરતમાં ભારે વરસાદ પડી રહ્યો હતો. અનેક વિસ્તારોમાં વરસાદનાં પાણી ભરાઈ ગયાં હતાં અને સુરતના લાખો લોકો ભારે હાલાકીમાં મુકાઈ ગયા હતા. એક બાજુ નાસ્તાપાર્ટી ચાલતી હતી અને બીજી બાજુ પબ્લિક પરેશાન થઈ ગઈ હતી. સુરતના નાગરિકોને આ નાસ્તાપાર્ટીની જાણ થતાં રોષ ફેલાયો હતો. પ્રજાના પ્રતિનિધિઓએ પ્રજાની હાલાકીની વચ્ચે પણ નાસ્તાપાર્ટી કરીને પોતાની અસંવેદનશીલતા દર્શાવી હોવાનો મત સુરતીલાલાઓમાં ફેલાયો હતો.

હિંમતનગર બ્રિજ પર ભરાયાં વરસાદનાં પાણી  
સાબરકાંઠાના અરવલ્લી જિલ્લામાં પણ વરસાદે પધરામણી કરી હતી. પ્રાંતિજ અને ધનસુરામાં ૩ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો; જ્યારે હિંમતનગર, મોડાસા, મેઘજ, તલોદ અને બાયડમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. અચરજભરી વાત એ છે કે હિંમતનગર–ઇડર બાયપાસ રસ્તા પાસે હાથમતી નદી પર બનેલા બ્રિજ પર વરસાદી પાણી ભરાઈ ગયાં હતાં જેને કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. 

Whatsapp-channel Whatsapp-channel

08 July, 2026 10:33 AM IST | Surat | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK