ચોમાસુ સત્રની શરૂઆત પહેલાં નરેન્દ્ર મોદીનું મીડિયાને સંબોધન
ચોમાસુ સત્રની શરૂઆત પહેલાં નરેન્દ્ર મોદીનું મીડિયાને સંબોધન
સંસદના મૉન્સૂન સત્રની શરૂઆત પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે સંસદભવનની બહાર મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે ‘સંસદનું મૉન્સૂન સત્ર વિજય ઉત્સવ જેવું છે, કારણ કે ભારતીય સશસ્ત્ર દળોએ ઑપરેશન સિંદૂર દરમ્યાન તેમનાં ૧૦૦ ટકા લક્ષ્યો પ્રાપ્ત કર્યાં છે.
પહલગામની ક્રૂર હત્યાઓ, અત્યાચારો અને હત્યાકાંડથી આખી દુનિયા સ્તબ્ધ થઈ ગઈ હતી. દુનિયાનું ધ્યાન આતંકવાદીઓ અને તેમના આકાઓ પર કેન્દ્રિત હતું અને એ સમયે પક્ષીય હિતોને બાજુએ રાખીને આપણા મોટા ભાગના પક્ષોના પ્રતિનિધિઓ, મોટા ભાગના રાજ્યોના પ્રતિનિધિઓએ વિશ્વનો પ્રવાસ કર્યો, વિશ્વના ઘણા દેશોમાં ગયા અને એકઅવાજે આતંકવાદીઓના આકા પાકિસ્તાનને વિશ્વ સમક્ષ ઉજાગર કરવા માટે સફળ અભિયાન ચલાવ્યું. આજે હું રાષ્ટ્રીય હિતમાં કરવામાં આવેલા આ મહત્ત્વપૂર્ણ કાર્ય બદલ એ બધા સંસદસભ્યો અને બધા પક્ષોનો આભાર માનવા માગું છું. આનાથી દેશમાં સકારાત્મક વાતાવરણ બન્યું છે. વિશ્વએ ભારતના મુદ્દાને સ્વીકારવા માટે પોતાના મનના દરવાજા ખોલી નાખ્યા અને એ માટે આપણા સંસદસભ્યો તથા આપણા રાજકીય પક્ષોની પ્રશંસા કરવાનો મને લહાવો મળ્યો છે. આપણે જાણીએ છીએ કે આ સ્પિરિટ, એક સ્વર, એક એકતાનું વાતાવરણ દેશને કેટલું ઉત્સાહથી ભરી દે છે. હું આજે દેશવાસીઓ સમક્ષ અને દેશના રાજકીય પક્ષોને પણ ચોક્કસ કહીશ કે દેશે એકતાની શક્તિ જોઈ છે, એક અવાજની શક્તિ જોઈ છે એથી ગૃહના બધા માનનીય સંસદસભ્યોએ પણ એને શક્તિ આપવી જોઈએ, એને આગળ વધારવી જોઈએ. હું ચોક્કસ કહીશ કે રાજકીય પક્ષો અલગ-અલગ હોય છે, દરેકનો પોતાનો એજન્ડા હોય છે, પોતાની ભૂમિકા હોય છે, પરંતુ હું એ વાસ્તવિકતા સ્વીકારું છું કે પક્ષના હિતમાં મત ભલે ન મળે, પરંતુ દેશના હિતમાં મન જરૂરથી મળવાં જોઈએ. આ એક ભાવના સાથે આ ચોમાસુ સત્રમાં ઘણાં બધાં બિલો પ્રસ્તાવિત કરવામાં આવ્યાં છે જે દેશની વિકાસયાત્રાને શક્તિ આપશે, દેશની પ્રગતિને શક્તિ આપશે, દેશના નાગરિકોને શક્તિ આપશે, ગૃહ તેમને વિગતવાર ચર્ચા પછી પસાર કરશે. હું બધા માનનીય સંસદસભ્યોને એક ઉત્તમ ચર્ચા કરવા બદલ શુભેચ્છા આપું છું.’
ADVERTISEMENT
હું એ પણ ઉલ્લેખ કરવા માગું છું કે ઇન્ટરનૅશનલ સ્પેસસ્ટેશન પર ભારતીય ત્રિરંગો પહેલી વાર ફરકાવવો એ દેશના દરેક નાગરિક માટે ગર્વની ક્ષણ છે. બૉમ્બ અને બંદૂકો સામે દેશનું બંધારણ જીતી રહ્યું છે, લાલ કૉરિડોર ગ્રીન ઝોન બની રહ્યા છે.
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે તાત્કાલિક અસરથી રાજીનામું આપ્યું, કારણ આપ્યું હેલ્થનું

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પોતાના પદ પરથી ગઈ કાલે રાજીનામું આપી દીધું હતું. રાજીનામા પાછળ ઉપરાષ્ટ્રપતિએ હેલ્થનું કારણ આપ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને લખેલા પત્રમાં જગદીપ ધનખડે કહ્યું હતું કે સ્વાસ્થ્યની દેખરેખને પ્રાથમિકતા આપવા તથા તબીબી સલાહોનું પાલન કરવા હું તાત્કાલિક અસરથી ઉપરાષ્ટ્રપતિના પદ પરથી રાજીનામું આપું છું.


