ઑપરેશન સિંધુ : ઈરાનથી ૧૧૦ ભારતીય સ્ટુડન્ટ્સ સલામત રીતે આર્મેનિયા માર્ગે દિલ્હી પહોંચ્યા, યુદ્ધનું વર્ણન કરતાં કહ્યું...
ગઈ કાલે ૧૧૦ ભારતીય સ્ટુડન્ટ્સને ભારત લાવવામાં આવ્યા હતા.
યુદ્ધગ્રસ્ત ઈરાનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે ભારત સરકારે ઑપરેશન સિંધુ શરૂ કર્યું છે અને એ અંતર્ગત ગઈ કાલે ૧૧૦ ભારતીય સ્ટુડન્ટ્સને ભારત લાવવામાં આવ્યા હતા. દિવસોના ભય અને અનિશ્ચિતતા પછી ગઈ કાલે પહેલી ફ્લાઇટમાં આ સ્ટુડન્ટ્સ આખરે દિલ્હી પહોંચ્યા હતા. આ સ્ટુડન્ટ્સને ઈરાનથી આર્મેનિયા લઈ જવાયા હતા અને ત્યાંથી ઇન્ડિગોની ફ્લાઇટમાં દિલ્હી લાવવામાં આવ્યા હતા. ચિંતાતુર પરિવારો આંસુ ભરેલી આંખો સાથે રાહ જોઈ રહ્યા હતા. સ્ટુડન્ટ્સ ઍરપોર્ટમાંથી બહાર આવ્યા અને રાહતનો માહોલ છવાઈ ગયો હતો.
આ ૧૧૦ સ્ટુડન્ટ્સમાંથી ૯૦ જમ્મુ અને કાશ્મીરના છે અને તેઓ ઉર્મિયા યુનિવર્સિટીમાં મેડિકલ શિક્ષણ મેળવી રહ્યા હતા. જમ્મુ અને કાશ્મીર સ્ટુડન્ટ્સ અસોસિએશને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશપ્રધાન એસ. જયશંકરનો આભાર માન્યો હતો.


