દિલ્હી ઍરપોર્ટ પર ૩૪૦થી વધુ ફ્લાઇટ મોડી પડી : ગાઝિયાબાદમાં એક માળનાં ઘર પાણીમાં ડૂબી ગયાંઃ નોએડામાં ભરદિવસે અંધારું છવાયું : પંજાબમાં પૂરને કારણે ૩.૫ લાખથી વધુ લોકો પ્રભાવિત, ૭ સપ્ટેમ્બર સુધી સ્કૂલો-કૉલેજો બંધ
પંજાબનાં અનેક ગામો પાણીમાં ડૂબી ગયાં હતાં.
દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ગઈ કાલે ભારે વરસાદને કારણે નદીઓમાં પૂરની પરિસ્થિતિ છે. પૂરને કારણે અહીં જનજીવન ખોરવાઈ ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ૨૪ કલાકમાં આ રાજ્યોના ઘણા ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. દિલ્હી ઍરપોર્ટ પર ૩૪૦થી વધુ ફ્લાઇટ મોડી પડી છે. સાંજે પાંચ વાગ્યા સુધી ૨૭૩ ફ્લાઇટનું પ્રસ્થાન અને ૭૩ ફ્લાઇટનું આગમન મોડું પડ્યું હતું.
લગાતાર વરસાદને કારણે પંજાબમાં દિવસે ને દિવસે વધુ હાલત ખરાબ થઈ રહી છે. નાનાં ગામોમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતોને સૌથી વધુ નુકસાન થયું છે. આજે અને આવતી કાલે પણ વધુ વરસાદની આગાહી હોવાથી સાતમી સપ્ટેમ્બર સુધી સ્કૂલ અને કૉલેજો બંધ રાખવાની જાહેરાત થઈ છે.
ADVERTISEMENT


સતત અનેક દિવસોથી અવિરત વરસાદને લીધે દિલ્હી, હરિયાણાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં.

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં રસ્તાઓ ઘૂંટણભેર પાણીથી ભરાઈ ગયા હતા. ગાડીઓ અડધા પાણીમાં ડૂબી ગઈ હતી. ૭ ગામમાં પૂરની પરિસ્થિતિ છે. ઘણી જગ્યાએ ઘર એક માળ સુધી ડૂબી ગયાં છે. ગઈ કાલે ભરબપોરે નોએડામાં અંધારું છવાઈ ગયું હતું. બપોરે બે કલાક સુધી અહીં ભારે વરસાદ પડ્યો હતો.
દિલ્હી-NCRના કેટલાક ભાગોમાં સવારના વરસાદ પછી જૂના રેલવે પુલ પર યમુનાના પાણીનું સ્તર ૨૦૭ મીટર સુધી પહોંચી ગયું હતું, જે ખતરાના નિશાન (૨૦૫.૩૩ મીટર) કરતાં વધુ છે.
યમુનાબજાર, ઓલ્ડ ઉસ્માનપુર, ઓલ્ડ ગઢી મેંદુ, તિબેટિયન બજાર, મઠ બજાર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પૂરનાં પાણી ઘૂસી ગયાં હતાં. અત્યાર સુધીમાં ૧૨,૦૦૦ લોકો પોતાનાં ઘર છોડીને સલામત સ્થળોએ ગયા છે.


