એનઆઇએએ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ચંડીગઢ તેમ જ દિલ્હીમાં દરોડા પાડ્યા હતા
પ્રતીકાત્મક તસવીર
દેશમાં ખાલિસ્તાની નેટવર્કનો અંત લાવવા ગઈ કાલે ઍક્શન લેવામાં આવી હતી. એનઆઇએ (નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)એ ગઈ કાલે ખાલિસ્તાનીઓ અને ગૅન્ગસ્ટર્સના નેટવર્કને ખલાસ કરવા માટે છ રાજ્યોમાં ૫૩ જગ્યાએ દરોડા પાડ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘લોરેન્સ, બંબિહા અને અર્શ દલ્લા ગૅન્ગ માટે કામ કરનારા લોકોને સંબંધિત ત્રણ કેસમાં છ રાજ્યોમાં ૫૩ લોકેશન્સ પર એનઆઇએએ દરોડા પાડ્યા હતા.’ અર્શ દલ્લા ગૅન્ગના એક મેમ્બરની આ દરોડા દરમ્યાન અટકાયત કરવામાં આવી હતી.
લોરેન્સ બિશ્નોઈ જેલમાં છે, જ્યારે ગૅન્ગસ્ટરમાંથી આતંકવાદી બનનારો અર્શદીપ સિંહ ઉર્ફે અર્શ દલ્લા કૅનેડામાં છે અને દવિન્દર બંબિહા ૨૦૧૬માં પંજાબ પોલીસના એક એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો.
ADVERTISEMENT
આ રાજ્યોમાં પાડવામાં આવ્યા હતા દરોડા
એનઆઇએએ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ચંડીગઢ તેમ જ દિલ્હીમાં દરોડા પાડ્યા હતા. એકલા પંજાબમાં જ એનઆઇએએ ૩૦ લોકેશન પર દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમ્યાન પિસ્ટલ, વિસ્ફોટક સામગ્રી, નોંધપાત્ર સંખ્યામાં ડિજિટલ ડિવાઇસિસ તેમ જ અપરાધ પુરવાર કરતી અન્ય સામગ્રીને જપ્ત કરવામાં આવી હતી. અનેક લોકોની અટકાયત કરવામાં આવી છે.


