અગાઉ પરીક્ષાના આગલા દિવસે રદ થઈ હતી એક્ઝામ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
નૅશનલ બોર્ડ ઑફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સિસ (NBEMS)એ ગઈ કાલે જાહેરાત કરી હતી કે ૧૧ ઑગસ્ટે નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-પોસ્ટગ્રૅજ્યુએટ (NEET-PG) 2024 યોજાશે. આ પરીક્ષા અગાઉ ૨૩ જૂને લેવાવાની હતી, પણ એના એક દિવસ પહેલાં બાવીસમી જૂને એને રદ કરવામાં આવી હતી. વિવિધ મેડિકલ કૉલેજોમાં પોસ્ટ-ગ્રૅજ્યુએટ અને ડિપ્લોમા કોર્સમાં ઍડ્મિશન માટે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. ૧૧ ઑગસ્ટે બે શિફ્ટમાં આ પરીક્ષાનું આયોજન થવાનું છે. જોકે ટાઇમિંગની જાણકારી હાલમાં આપવામાં આવી નથી. વધુ જાણકારી એની અધિકૃત વેબસાઇટ natboard.edu.in પર મૂકવામાં આવશે. આ પરીક્ષામાં બેસવા માટેની એલિજિબિલિટીની કટ-ઑફ ડેટ ૨૦૨૪ની ૧૫ ઑગસ્ટ સુધી માન્ય રહેશે.
સરકાર કહે છે કે NEET-UG ૨૦૨૪ની રીટેસ્ટની જરૂર નથી, એનાથી પ્રામાણિક સ્ટુડન્ટ્સને અસર થશે
ADVERTISEMENT
કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયે ગઈ કાલે સુપ્રીમ કોર્ટમાં એક ઍફિડેવિટ દાખલ કરીને એમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘મોટા પાયે ગેરરીતિઓના કોઈ પણ પુરાવાની ગેરહાજરીમાં NEET-UG 2024 પરીક્ષા ફરીથી કરાવવાની જરૂર નથી. પરીક્ષાને સંપૂર્ણ રીતે રદ કરવાથી NEET-UG ૨૦૨૪નાં પ્રશ્નપત્રોનો ઉકેલ લાવનારા લાખો પ્રામાણિક ઉમેદવારો ગંભીર રીતે જોખમમાં મુકાશે. આથી પહેલાં જાહેર કરાયેલાં પરિણામોને રદ કરવાનું તર્કસંગત રહેશે નહીં. આ મુદ્દે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને વ્યાપક તપાસ કરવા જણાવવામાં આવ્યું છે.’


